સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન ભક્તિ અને પૂજનમાં પ્રત્યેક જીવ ગળાડૂબ હોય છે. સોમનાથ નજીક 'નિરાધારના આધાર' આશ્રમમાં રહેતા 100 જેટલા માનસિક અસ્થિર અને દિવ્યાંગ વ્યક્તિઓએ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને ભારે ધન્યતા અનુભવી હતી.
મનો દિવ્યાંગોએ અનુભવી ધન્યતાઃ 'નિરાધારના આધાર' આશ્રમમાં 100 જેટલા મનો દિવ્યાંગો પોતાનું જીવન સુપેરે વ્યતિત કરી રહ્યા છે. આ દિવ્યાંગોને ભગવાનનું સ્વરૂપ માનીને આશ્રમમાં તેમની સેવા કરવામાં આવી રહી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ આશ્રમની શરૂઆતથી જ વિશેષ સહકાર પૂરો પાડવામાં આવે છે. આજે પણ સોમનાથ ટ્રસ્ટે વિશેષ વાહન અને ગોલ્ફ કાર્ટ દ્વારા તમામ દિવ્યાંગોને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતા. ખૂબ જ શાંતિ અને સવલતો સાથે કોઈ અગ્રણી વ્યક્તિ જેવી ટ્રીટમેન્ટ આ મનો દિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવી હતી. સોમનાથ મહાદેવના દર્શન અત્યંત નિકટથી કરાવવામાં આવ્યા. સોમનાથ ટ્રસ્ટે તમામ મનો દિવ્યાંગોનું અદકેરું સ્વાગત કરીને તેમને અન્ન ક્ષેત્રમાં ભોજન પ્રસાદનો લાભ આપ્યો હતો. દિવ્યાંગો માટે મંદિર પરિસરમાં ધ્વજા પૂજાની સાથે ભજન સંગીતનું પણ આયોજન કરાયું હતું.
સોમનાથ ટ્રસ્ટ અમારા 'નિરાધારના આધાર' આશ્રમને ખૂબ જ મદદ કરે છે. કોઈપણ પરિસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટનો ખૂબ સહકાર મળી રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન પ્રભુ સમાન મનો દિવ્યાંગ વ્યક્તિઓને દર્શન કરવા માટે સોમનાથ ટ્રસ્ટે આશ્રમથી લઈને મંદિર પરિસર સુધી ટ્રાન્સપોર્ટેશન, ભોજન પ્રસાદ, દર્શન, ધ્વજપૂજા, ભજન કિર્તન જેવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં આશ્રમની ખૂબ મદદ કરી હતી...પારેખભાઈ(મેનેજર, 'નિરાધારના આધાર' આશ્રમ)