ગાંધીનગરઃ કલોલમાં સાત વર્ષ પહેલા હિન્દુ યુવતીને મુસ્લિમ યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. પોતે પરિણીત હોવા છતાં યુવતીને લગ્નની લાલચ આપી ફેરવતો રહ્યો હતો. જ્યારે યુવતીએ લગ્નની વાત કરી તો કહ્યું હતું કે, હું તો પરણિત છું. જેને લઇને યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસ કલોલ કોર્ટમાં ચાલતા આરોપીને સાત વર્ષ જેલની સજાનો હુકમ સંભળાવ્યો હતો. જેને લઇને ભોગ બનનાર યુવતીએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
ફરિયાદમાં જણાવ્યાનુસાર, 2014માં કલોલની એક યુવતીને આરોપી વાંજીદે પ્રેમજાળમાં ફસાવી હતી. પોતે પરિણીત હોવા છતાં અપરણિત કહીને હિન્દુ યુવતીને અજમેર સહિતના સ્થળોએ લઇ જઇને બે મહિના સુધી દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારે આ યુવતીએ લગ્નની વાત કરી તો પોતે પરિણીત છે અને લગ્ન કરી શકશે નહીં તેવું જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીએ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ કલોલ નામદાર કોર્ટમાં ચાલી જતા વાજીદને સાત વર્ષની સખત કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જે અંગે ફરિયાદી પીડિતાએ જણાવ્યું હતું કે, "મને લગ્નની ખોટી લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવનાર શખ્સને નામદાર કોર્ટે સજા ફટકારતા મને ન્યાય મળ્યો છે. અન્ય યુવતીઓ પણ આ પ્રકારના પ્રેમજાળમાં ન ફસાઇ તેનું ધ્યાન રાખવા અપીલ કરું છું."