ગાંધીનગરઃ ભારતીય રેલવેએ છેલ્લા 9વર્ષમાં ઝડપથી પરિવર્તન કર્યું છે. એક પછી એક ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે તેમજ અનેક લક્ષ્યોને હાંસલ છે. આ સિદ્ધિઓ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં દર્શાવવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા સ્થાપિત ભારતીય રેલ્વે પેવેલિયનમાં પુનઃવિક્સિત અયોધ્યા ધામ જંકશન સ્ટેશન(ફેઝ-1)ની થીમ રાખવામાં આવી છે.
9 વર્ષની સિદ્ધિઓનું પ્રદર્શનઃ વાયબ્રન્ટ સમિટ 2024માં ભારતીય રેલવે પેવેલિયન પણ રાખવામાં આવ્યું છે. જેમાં રેલવે દ્વારા છેલ્લા 9 વર્ષો દરમિયાન કરવામાં આવેલ પ્રગતિ અને સિદ્ધિઓને દર્શાવવામાં આવી છે. જેમાં ચેનાબ બ્રિજ જે વિશ્વનો સૌથી ઊંચો સ્ટીલ આર્ક રેલવે બ્રિજ છે તેનું સુપેરે પ્રદર્શન કરવામાં આવ્યું છે. પેવેલિયનમાં ડિજિટલ પેનલ્સ અને ઈન્ફોર્મેશન પેનલ્સ જેવા અનેક વિભાગો છે. જે ભારતીય રેલવેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સલામતી, સુરક્ષા, લોડિંગ, ઈકો ફ્રેન્ડલી વગેરે પાસાની માહિતી આપે છે.
ઈન્ફર્મેશન ફાઉન્ટેનઃ ભારતીય રેલવે પેવેલિયનનું પ્રમુખ આકર્ષણ છે ઈન્ફર્મેશન ફાઉન્ટેન. જેમાં ભારતીય રેલવેના અનેક મોટા પ્રોજેક્ટ્સના ડિજિટલ બ્રોશર્સ અને ટૂંકા વીડિયો દ્વારા મુલાકાતીઓને વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવે છે. પેવેલિયનમાં ચિનાબ બ્રિજનું એક મોડેલ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જે ભારતીય રેલવેની એન્જિનિયરિંગ શ્રેષ્ઠતાને દર્શાવે છે.
વર્ચ્યુઅલ રિયાલિટી(VR): ભારતીય રેલવે પેવેલિયનમાં મુલાકાતીઓ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ગતિનો અનુભવ લોકો પાઈલોટ(એન્જિન ડ્રાયવર)ની કેબિનમાંથી કરી શકે છે. 'સ્ટ્રાઇક ધ હેમર' એક ગેમિફાઈડ ડિસ્પ્લે છે કે જેના પર ટ્રેન ચલાવવા માટે વ્યક્તિએ હથોડી મારવી પડે છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને અન્ય ટ્રેનોના વર્કિંગ મોડલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મનોરંજન માટે અને મુલાકાતીઓના જ્ઞાનની કસોટી કરવા માટે રેલવે આધારિત ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રેલવે મહાનુભાવો ઉપસ્થિતઃ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભારતીય રેલવે પેવેલિયનના ઉદઘાટનમાં જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રા સહિત પશ્ચિમ રેલવેના અગ્રણી અધિકારીઓએ મુલાકાત લીધી હતી.