ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા દર બે વર્ષે ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે 2022 માં કોરોના વૈશ્વિક મહામારીના કારણે ગુજરાત વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ થઈ શકી નથી. ત્યારે વર્ષ 2024 માં ગુજરાત સરકારે જાન્યુઆરી માસમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે છ ઓક્ટોબરથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે વાઈબ્રન્ટ ગુજરાતનો રોડ શો કરશે. જેમાં 10 થી વધુ ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે.
કર્ટેન રેઈઝર કાર્યક્રમ : VGGS 10 મી આવૃત્તિ ગુજરાતની મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશનથી ગેટવે ટુ ધ ફ્યુચર સુધીની સફર માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. જે ન્યૂ ઇન્ડિયાના વિઝનને આકાર આપશે. વાઈબ્રન્ટ ગુજરાતના 20 વર્ષને સફળતાની સમિટ તરીકે ઉજવણી બાદ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 6 ઓક્ટોબર 2023ના રોજ નવી દિલ્હી ખાતે કર્ટેન રેઈઝર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કર્ટેન રેઈઝરમાં ગુજરાતના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ, ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.
દિલ્હીમાં રોડ શોનું આયોજન : રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમ બે ભાગમાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં કર્ટેન રેઇઝર ઇન્ટરેક્ટિવ સેશન અને બીજા તબક્કામાં આ મિશનના વડાઓ સાથે ઇન્ટરેક્શન યોજાશે. આ સત્રમાં વેલસ્પનના ચેરમેન બી.કે. ગોએન્કા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવશે. બાદમાં ઓડિયો-વીડિયો ફિલ્મનું સ્ક્રીનિંગ બતાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવશે. ત્યારબાદ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના સેક્રેટરી રાજેશકુમાર સિંઘ દ્વારા સંબોધન પણ કરવામાં આવશે.
મિશનના વડાઓ સાથે વાર્તાલાપ : આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાતમાં તેમના અનુભવો અંગે વાત કરશે. આ સાથે જ ગુજરાત સરકારના મુખ્ય સચિવ રાજકુમાર અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સંબોધન કરશે. સાંજે ઈન્ટરેક્શન વિથ હેડ ઓફ મિશન એટલે કે મિશનના વડાઓ સાથે વાર્તાલાપ યોજાશે. જેમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયના અધિકારીઓ, કેન્દ્રીય વિદેશપ્રધાન ડો. એસ. જયશંકર અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવશે.