ગાંધીનગર : ગુજરાત રાજ્યના ધંધાવેપારના વિકાસ માટે રાજ્ય સરકારના પ્રયત્નોરુપે યોજાતી વાયબ્રન્ટ સમિટ આગામી વર્ષે યોજાશે. ત્યારે આ પૂર્વે પ્રતિ સપ્તાહ એમઓયુના ઉપક્રમની કુલ ત્રણ કડીમાં કુલ 3874 કરોડના કુલ 14 MoU સંપન્ન થઅ ચૂક્યાં છે. ટેક્સટાઇલ સેક્ટરમાં 2100, એન્જિનિયરીંગ સેક્ટરમાં 700, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં 500 અને કેમિકલ સેક્ટરમાં 3085 સંભવિત રોજગાર અવસરોનું સર્જન આ એમઓયુ થકી થવાની સંભાવના છે.
10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી 2024માં યોજાવા જઇ રહી છે. જેને લઇને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે. સમિટ ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે ત્યારે ગુજરાત સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ એમઓયુ કરવાનો ઉપક્રમ શરુ કરી દીધો છે.
મેઘમણી ખાતરનો પ્લાન્ટ નાંખશે : આ ઉપક્રમનાં ત્રીજા તબક્કામાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે 1113 કરોડ રુપિયાના કુલ રોકાણો સાથે 4 જેટલા એમઓયુ 8ઓગસ્ટે ગાંધીનગરમાં કરવામાં આવ્યાં હતાં. જેમાં કેમિકલ સેક્ટરમાં કુલ 300 કરોડ રૂપિયાના રોકાણો માટે 1 ઉદ્યોગગૃહે એમઓયુ કર્યા હતા. મેઘમણી ક્રોપ ન્યુટ્રીશન લિમિટેડ સાણંદમાં નેનો પ્રવાહી ખાતરનો પ્લાન્ટ 2025-26 સુધીમાં શરૂ કરશે.
કોણે હસ્તાક્ષર કર્યાં : જ્યારે ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ એમઓયુ પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે રાજ્ય સરકાર વતી અને ઉદ્યોગગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ અધિકારીઓએ હસ્તાક્ષર કર્યાં હતાં. દર સપ્તાહે એમઓયુ સાઈનીંગના ઉપક્રમની ત્રણ કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ 3874 કરોડના રોકાણોના 14 એમઓયુ સંપન્ન થયા છે.
સાડા નવ હજારથી વધુ સંભવિત રોજગાર : આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ સાડા નવ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.ટેક્સટાઇલ સેક્ટરમાં 2100, એન્જિનિયરીંગ સેક્ટરમાં 700, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં 500 અને કેમિકલ સેક્ટરમાં 3085 સંભવિત રોજગાર તક પેદા થઇ શકશે.
વન્ડર સિમેન્ટ પચાસ લોકોને રોજગારી આપશે : એમઓયુ અનુસાર સાણંદ, વડોદરાના ડેસર, સુરતના પીપોદરા તેમજ વલસાડના ડુંગરીમાં 2024-25-26 સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે ચાર એમઓયુ થયા છે. આ અનુસાર વન્ડર સિમેન્ટ લિમિટેડ ગુજરાતમાં પોતાનો પ્રથમ પ્રોજેક્ટ ડેસર તાલુકાના તુલસી ગામમાં 550 કરોડના રોકાણ સાથે શરૂ કરશે અને પચાસ લોકોને રોજગારી આપશે.
પીપોદરામાં વિસ્કોસ સ્ટેપલ યાર્ન પ્રોજેક્ટ : આ ઉપરાંત હમી વેવેલન પ્રાઈવેટ લિમિટેડ સુરતના માંગરોળ તાલુકાના પીપોદરામાં વિસ્કોસ સ્ટેપલ યાર્ન અને પોલિસ્ટર સ્ટેપલ યાર્નનો પ્રોજેક્ટ 114 કરોડ રૂપિયાના રોકાણથી શરૂ કરવાની છે. આ પ્રોજેક્ટથી 300 જેટલા લોકોને રોજગાર અવસર મળશે.
ડુંગરીમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપના : મોરાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ, વલસાડ જિલ્લાના ડુંગરીમાં 149 કરોડના રોકાણથી ઈન્ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપના કરશે અને અંદાજે 3500 જેટલા રોજગાર અવસરનું નિર્માણ થશે.
એમઓયુના સાક્ષી બન્યાં : એમઓયુ સાઈનીંગ સમયે મુખ્ય સચિવ રાજકુમાર, સીએમના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર કુલદીપ આર્ય તથા ઈન્ડેક્ષ-બીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.