ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા આવતીકાલે (12 ડિસેમ્બર, 2023)ના રોજ રાજસ્થાનના જયપુરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)ની 10મી આવૃત્તિ પહેલા ગુજરાતની ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષમતા દર્શાવવા માટે એક રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશ-વિદેશના ઉદ્યોગપતિઓને આકર્ષવાનો પ્રયાસ: અત્યાર સુધી, ગુજરાત સરકારે નવી દિલ્હીમાં એક કર્ટેન રેઈઝર ઇવેન્ટ અને ત્યારબાદ મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ, લખનૌ, બેંગલુરુ અને ગુવાહાટીમાં સ્થાનિક રોડ-શો યોજ્યા છે. વધુમાં, VGGS 2024 પ્રતિનિધિમંડળે જાપાન, જર્મની, ઇટાલી, ડેનમાર્ક, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, U.A.E અને U.S.A.ની મુલાકાત પણ લીધી હતી. આ રોડ શૉ અને પ્રતિનિધિમંડળની મુલાકાતોએ IT અને ITeS, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને સંરક્ષણ, બાયોટેકનોલોજી અને પ્રવાસન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને સહકારના ક્ષેત્રો એક્સપ્લોર કરવા માટે વ્યવસાયો અને કંપનીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આ પ્રતિનિધિમંડળનો હેતુ ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સ જેમ કે, GIFT સિટી, ધોલેરા SIR અને બાયોટેક પાર્કમાં રોકાણો આકર્ષિત કરવાનો છે. આ રોડ શૉ દરમિયાન ઉદ્યોગ અને વેપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરવામાં આવી અને જાન્યુઆરી 2024માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે તેમને આમંત્રિત કરવામાં આવ્યા.
જયપુરમાં રાઘવજી પટેલનો રોડ શો: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ જયપુરમાં રોડ શ઼ૉ યોજશે અને લોકોને સંબોધિત પણ કરશે. આ રોડ શૉની શરૂઆત FICCI રાજસ્થાન સ્ટેટ કાઉન્સિલના ચેરમેન અને મંડાવા હોટેલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રણધીર વિક્રમ સિંઘના સ્વાગત પ્રવચન સાથે થશે અને ત્યારબાદ વાઈબ્રન્ટ ગુજરાત પર ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું સ્ક્રીનિંગ થશે. આ પ્રસંગે ગુજરાત સરકારના મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન ઓફિસના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કમિશ્નર IAS રાજકુમાર બેનીવાલ ગુજરાતમાં વ્યવસાયની તકો અને VGGS 2024 પર પ્રેઝન્ટેશન આપશે. જ્યારે વન્ડર સિમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કિરણ પાટીલ ગુજરાતના તેમના અનુભવ શેર કરશે. તો FICCI રાજસ્થાન રાજ્ય કાર્યાલયના વડા અતુલ શર્મા દ્વારા આભારવિધી સાથે રોડ શોનું સમાપન કરવામાં આવશે.