ગાંધીનગર : USAના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ ગાંધીનગરની મુલાકાત લીધી હતી. એરિક ગાર્સેટીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. તેમણે માર્ચ-2023માં USAના ભારત સ્થિત રાજદૂત તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી છે. ગુજરાતની તેમની આ મુલાકાત દરમિયાન મળેલા ઉષ્માસભર આવકાર અંગે પ્રસન્નતા વ્યક્ત કરતાં રાજદૂત એરિક ગાર્સેટીએ યુ.એસ અને ભારત વેપાર-વણજના દ્વિપક્ષીય સંબંધો, મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને નેટ ઝીરો કાર્બન ઈકોનોમીના ક્ષેત્રોમાં સાથે મળીને ઘણું સારું કામ કરી શકે તેમ છે તેવી અપેક્ષા દર્શાવી હતી.
લાંબાગાળાના સંબંધો નિયમીત સંવાદ : USના રાજદૂતે ભારત અને ગુજરાત સાથે U-20, ઓલિમ્પીક્સ ગેઇમ્સ અને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લોસ એન્જેલસની મુલાકાત લેવા પણ આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સૌજન્ય મુલાકાત બેઠકમાં વાતચીત દરમિયાન જણાવ્યું કે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે ખ્યાતિ પામ્યું છે. US અને ગુજરાત વચ્ચે લાંબાગાળાના સંબંધો નિયમિત સંવાદ અને ઉચ્ચસ્તરીય જોડાણોની ગતિથી વધુ વિસ્તર્યા છે.
રિન્યુએબલ એનર્જી ક્ષમતા : મુખ્યપ્રધાનએ સૌને સાથે રાખીને વિકાસ માર્ગે ચાલવાની ‘વસુધૈવ કુટુંબકમ’ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવના આ સૌજન્ય મુલાકાત બેઠકથી સાકાર થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાને ગુજરાત દેશની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં 14 ટકાનું યોગદાન આપે છે તેમજ વિશ્વનો સૌથી મોટો 30 ગીગાવોટનો સોલાર એન્ડ વિન્ડ એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે તેની ભૂમિકા આપી હતી.
તકો શોધવા આમંત્રિત : આ સંદર્ભમાં મુખ્યપ્રધાને અમેરિકન કંપનીઓને સ્વચ્છ ઊર્જા, ગ્રીન મોબિલીટી તેમજ ગ્રીન મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવા માટે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ, ગ્રીડ ઇન્ટીગ્રેશન અને ગ્રીન હાઇડ્રોજન ટેક્નોલોજીમાં રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે રિન્યુએબલ એનર્જી સ્પેસમાં સહયોગ અને રોકાણોની તકો શોધવા ઇંજન પાઠવ્યું હતું. એટલું જ નહિ, મુખ્યપ્રધાને ભારતના પ્રથમ ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી એવા ગિફ્ટ સિટીમાં અમેરિકન ફિનટેક કંપનીઓ અને ટેક સ્ટાર્ટઅપ્સને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બ્લોક ચેઇન, સાયબર સિક્યુરિટી જેવા સેક્ટર્સમાં તકો શોધવા આમંત્રિત કર્યા છે.
આ બેઠકમાં કોણ જોડાયા : આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદર તેમજ યુ.એસ રાજદૂતાવાસના અધિકારીઓ તેમજ ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.
New Us Ambassador: એરિક ગારસેટી ભારતમાં નવા યુએસ એમ્બેસેડર બન્યા, કમલા હેરિસે શપથ લેવડાવ્યા
Ahmedabad News : અમેરિકાના રાજદૂત બન્યા હેરિટેજ સિટી અમદાવાદના મહેમાન, વ્યક્ત કર્યો અનુભવ