ગાંધીનગરઃ ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે 49મી ડેરી ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન કેન્દ્રિય ડેરી મત્સ્ય અને પશુપાલન પ્રધાન પરષોત્તમ રૂપાલાએ કર્યું હતું. ભૂતકાળમાં વર્ષ 1996માં ગુજરાતમાં ડેરી ઇન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 27 વર્ષ બાદ ફરીથી ગુજરાતમાં આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ડેરી પ્રોડક્ટમાં ભારત નંબર 1ની પરિસ્થિતિમાં છે, પરંતુ આગામી દિવસોમાં વિશ્વમાં ડેરી પ્રોડક્ટમાં ફક્ત ભારતનું જ નામ હોય તેવું આયોજન હોવાની વાત પણ કેન્દ્રિય પ્રધાને જણાવી હતી.
સરકારની પ્રાયોરિટી શું છે એ માટે હું આવ્યોઃ ડેરી કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રિય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારત દેશની અને સરકારની પ્રાયોરિટી શું છે. તે દર્શાવવા માટે જ હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો છું. આ મારો મનગમતો વિષય પણ છે. ત્યારે પશુપાલન દૂધ ઉત્પાદકમાં કઈ રીતે સુધારાવધારા કરી શકાય અને નવી ટેક્નોલોજીનો કઈ રીતે વધુમાં વધુ ઉપયોગ કરી શકાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.
ડેરી ઉત્પાદનમાં 9 કરોડ પરિવારને રોજગારીઃ કેન્દ્રિય પ્રધાને જણાવ્યું હતું કે, ડેરી ઇન્ડસ્ટ્રીઝને કો-ઑપરેટિવ સેક્ટરમાં અમૂલ્ય પ્રયોગો થયા અને રાજ્ય સરકારોની અને ભારત સરકારની નીતિઓને કારણે પણ આ ક્ષેત્રને વિકસાવાની તક મળી છે. આ સેક્ટરના કારણે અંદાજે 9 કરોડ પરિવારને રોજગારી મળી છે.
યુવાનો આવી રહ્યા છે ડેરી સેકટરમાંઃ કેન્દ્રિય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં આ ડેરી સેક્ટરમાં યુવાનો વધુ જોડાઈ રહ્યા છે. જ્યારે ગાંધીનગર ખાતે 49મી ડેરી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અનેક યુવાનો પોતાનું નવું સ્ટાર્ટઅપ અને નવી ટેકનોલોજી સાથે આવ્યા છે, જેથી આગામી દિવસોમાં ભારતનું ભવિષ્ય ડેરી ક્ષેત્રે ખૂબ બનશે અને હાલમાં ભારત નંબર 1 સ્થાન ઉપર છે, પરંતુ એવી જગ્યાએ પહોંચવું છે, જેથી નંબર 1 અને નંબર 2 વચ્ચે ખૂબ જ મોટું અંતર આવી જાય. સાથે જ સમગ્ર વિશ્વમાં ડેરી પ્રોડક્ટ અને ડેરીની વાત આવે ત્યારે ફક્ત ભારતનું જ નામ હોય તેવું કામ કરવાનું સરકારનું આયોજન પણ છે.
દેશમાં યોજના આવી એ પહેલાં ગુજરાતમાં યોજના હતીઃ કેન્દ્ર સરકાર દ્વારા 4000 જેટલા મોબાઈલ વેટરનીટી હોસ્પિટલ ની આપવામાં આવી છે ત્યારે આ બાબતના પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય પશુપાલન પ્રદાન એ નિવેદન આપ્યું હતું કે કેન્દ્ર સરકારે 4000 જેટલા મોબાઈલ વેટેનિટી હોસ્પિટલની અલગ અલગ રાજ્યમાં મંજૂરી આપી છે પરંતુ ગુજરાતની વાત કરવામાં આવે તો જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે જ તેઓએ ગુજરાતમાં જ આ યોજનાની શરૂઆત કરાવી હતી એટલે દેશમાં હતો હાલમાં આ યોજના આવી પરંતુ ગુજરાતમાં તો વર્ષો પહેલા આ યોજના અમલમાં મૂકી દીધી હતી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા તમામ પશુઓને મફતમાં રસીકરણ કરવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં બીજા તબક્કાનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Dairy Industry Conference : 27 વર્ષ પછી ગુજરાતમાં યોજાશે ડેરી ઉદ્યોગની સૌથી મોટી કોન્ફરન્સ
પશુઓની બ્રિડ સુધારવી પડશેઃ રૂપાલાઃ કેન્દ્રિય પ્રધાને ઉમેર્યું હતું કે, દૂધ ઉત્પાદન વ્યવસાયની સાથે જોડાઈ રહ્યું છે. ટેક્નોલોજી સાથે જોડાઈ ગયા છે. જ્યારે પશુઓમાં જે આઈવીએફની વાત કરી હતી એ છે ટેસ્ટ ટ્યૂબ બેબી છે. તેના કારણે બ્રિડ ઈમ્પ્રુવમેન્ટ થઈ શકે એ ટેકનોલોજી માટે અમે રાજ્ય સરકાર સાથે મળીને ગુજરાત રાજ્યની અંદર એની 2 લેબોરેટરીઓ અમે ચાલુ કરી દીધી છે. તેની પ્રેક્ટિસ શરૂ થઈ ચૂકી છે. બ્રિડ ઈમ્પ્રુવમેન્ટ ઝડપથી થશે તો આપણી એવરેજ સુધરશે. હાલમાં પ્રતિ પશુદીઠ 2.5 લીટર દૂધનું ઉત્પાદન થાય છે, પરંતુ બ્રિડ સુધરવાથી દૂધનું ઉત્પાદન 10 લિટર સુધી લઈ જવાનું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ને આવું થશે તો દૂધના ઉત્પાદનમાં વધારો થશે. જ્યારે એક IVFનો ખર્ચ 20થી 30,000 થાય છે.