મહેસાણા: મહેસાણા પાલિકા આજથી મહાનગરપાલિકા બની ગઈ છે. છેલ્લા થોડા વર્ષોથી આ મુદ્દે ચર્ચા ચાલતી હતી કે મહેસાણા પાલિકા મહાનગરપાલિકા ક્યારે બનશે ? ત્યારે ગતરોજ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો, અને મોડી સાંજે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક પણ કરવામાં આવી હતી. આમ, મહેસાણા પાલિકા હવે મહાનગરપાલિકા બનતા વિકાસની હરણફાળ ભરે તેવી આશાએ બંધાઈ છે. ત્યારે આવો જોઈએ મહેસાણાને મહાનગરપાલિકા મળતા નાગરિકોને શું ફાયદો અને શું નુકશાન થશે.
મહેસાણા મહાનગરપાલિકા બનતા જ પાલિકાના પ્રમુખ અને કોર્પોરેટર સહિતની બોડી આજથી બરખાસ્ત કરી દેવાઈ છે. મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા જ નગરજનોમાં હવે મહેસાણાના વિકાસની આશા બંધાઈ ગઈ છે.
- મહેસાણા પાલિકા આજથી મહાનગરપાલિકા બનતા ગ્રાન્ટની રકમમાં વધારો થશે
- પાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનામાં 7.50 કરોડ ગ્રાન્ટ મળતી હતી જે હવે 40 કરોડ ગ્રાન્ટ મળશે
- નવા હેડ ઉમેરાશે, નવી ગ્રાન્ટ મળશે
- ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થતા માળખાકીય સુવિધાઓ થશે
- મહાનગરપાલિકામાં ભળેલા ગામોને શહેરમાં ભળતા લાભો મળશે
- ગટર, પાણી, સફાઈના કામોમાં પરિવર્તન આવશે
- હાલમાં 100 વારના મકાનનો વેરો 1500 રૂપિયા છે જેમાં વધારો થશે
- વેરો વધશે પણ સુવિધાઓ પણ વધુ મળશે
- મહાનગરપાલિકા બનતા કેટલીક યોજનામાં 100 ટકા ગ્રાન્ટ મળશે, કેટલીક યોજનાઓમાં 70 ટકા ગ્રાન્ટ મળશે
- સ્વર્ણિમ જયંતિ યોજનામાં 100 ટકા ગ્રાન્ટ મળશે
- અમૃત યોજનામાં 70 ટકા ગ્રાન્ટ મળશે, જેમાં 30 ટકા મહાનગરપાલિકા કાઢશે
- મહેકમમાં મોટો ફેરફાર થશે, હાલમાં 250 નું મહેકમ છે જે 600 જેટલું થશે
- નવી શાખાઓ બનશે, ડિઝાસ્ટર, ઢોર પકડવાનું ખાતું અલગ બનશે
- હાલમાં એક જગ્યાએ સુવિધાઓ મળે છે, હવે વોર્ડ વાઈઝ સુવિધાઓ થશે
- દરેક વોર્ડમાં અલગ ઓફિસ બનશે, વોર્ડના નાગરિકોને સુવિધા મળશે
- જે રસ્તાઓ નિયત હશે તેમાં ફેરફાર નહીં થાય
- નવા ડીપી રોડમાં જરૂર પડે પહોળા કરવાનું આયોજન કરાઈ રહ્યું છે
- હાલમાં જન સંખ્યા 314000 છે, 14 ગામો નવા ભળ્યા જેમાં 6 ગામો સંપૂર્ણ ભળશે, બાકીના રેવન્યુ વિસ્તાર ભળશે
મહેસાણા મહાનગરપાલિકા બનતા જ મહેસાણાના લોકસભા સાંસદ, રાજ્યસભા સાંસદ સહિત પાલિકાના પ્રમુખે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો, અને મહેસાણાના વિકાસમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
તેમણે નિવેદન આપ્યું હતું કે, 'મહેસાણા મહાનગરપાલિકા બનતા હવે વિકાસ ઝડપી બનશે. મહાનગરપાલિકામાં વિકાસ આયોજનબદ્ધ થાય છે. ઓજી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારનો વિકાસ ઝડપી બનશે. મહાનગરપાલિકાને કારણે ગ્રામ્ય વિસ્તારનો પ્રોફેશનલ વિકાસ થશે.'
માત્ર 6 જ ગામો સંપૂર્ણ ભળશે: આમ, મહેસાણા નગરપાલિકા બનતા સૌ કોઈમાં ખુશીની લહેર છે. પરંતુ લોકો વચ્ચે ક્યાંક એવા પણ પ્રશ્નોએ જોર પકડ્યું છે કે, મહાનગરપાલિકામાં 14 નવા ગામો ભળશે જેમાંથી માત્ર 6 જ ગામો સંપૂર્ણ ભળશે. બાકીના રેવન્યુ વિસ્તાર એટલે કે ગામના પાદર જે બસ સ્ટેન્ડ સુધીના મુખ્ય રોડ સુધી જ જોડાશે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, તો પછી એ ગામ મહાનગરપાલિકામાં ભળ્યા કઇ રીતે કહેવાય ? શું બાકીના ગામોમાં ગામની અંદર વિકાસની જરૂર નથી ? શું બાકીના ગામોમાં ગામના પાદરે બસ સ્ટેન્ડ સુધી મુખ્ય રોડ સુધી વિકાસથી સંતોષ છે ? કે પછી આ ગામ વિસ્તારના બિલ્ડરોને ફાયદો કરાવવાના ચક્કરમાં 14 માંથી 6 ગામ સિવાયના ગામો સંપૂર્ણ નથી લેવાયા ? આ બધા સવાલોની વચ્ચે હાલમાં તો માત્ર મહાનગરપાલિકા બનવાની ખુશીના સમાચારથી સૌ ખુશ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: