અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ દિવાળીના પર્વની ઉજવણી પોતાના નિવાસસ્થાને અને ભાજપના કાર્યકર્તાઓ સાથે કરશે. જ્યારે અમદાવાદ અને પોતાના સંસદીય મત ક્ષેત્ર ગાંધીનગરમાં શુભેચ્છાઓની આપ લે કરશે.
અમિત શાહ ગુજરાતમાં: ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજથી 3 દિવસ દિવાળીના તહેવાર નિમિત્તે ગુજરાતની મુલાકાતે છે, તેઓ પરિવાર સહિત મિત્ર મંડળ સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરશે. શનિવારની મોડી રાત્રે અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા હતા. 3 દિવસ અમદાવાદ અને પોતાના સંસદીય મત ક્ષેત્ર ગાંધીનગરમાં નાગરિકો સાથે અમિત શાહ દિવાળી અને નવા વર્ષ ની ઉજવણી કરશે.
કોઈ સરકારી કાર્યક્રમ નહીં: ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના કાર્યાલય માંથી મળતી માહિતી મુજબ અમિત શાહના કોઈ સરકારી કાર્યક્રમનું આયોજન નથી, પણ દિવાળી અને નવા વર્ષ દરમિયાન તેઓ નાગરિકો સહિત ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ અને શુભેચ્છકો સાથે બેસતા વર્ષના દિવસે શુભેચ્છાઓની આપ-લે કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને કાર્યક્રમ પૂર્ણ કરીને અમિત શાહના નિવાસસ્થાને નવા વર્ષની શુભેચ્છાઓની આપ લે કરશે.
મુખ્યમંત્રીના કાર્યક્રમની રૂપરેખા: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2080ના પ્રારંભે 14 નવેમ્બર, મંગળવારે સવારે 7 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે, ત્યારબાદ તેઓ 07.25 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા કર્યા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે 8.00 થી 8.45 સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. ત્યાર બાદ સવારે 8.50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને નૂતન વર્ષ શુભેચ્છાઓ પાઠવવા જશે. જ્યારે અમદાવાદમાં સવારે 10.30 થી 11.30 કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નૂતન વર્ષના દિવસે બપોરે 11.45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો 14 નવેમ્બર મંગળવારનો કાર્યક્રમ
- સવારે 7 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો કરશે પ્રારંભ
- સવારે 07.25 કલાલે અડાલજ ખાતે ત્રિમંદિરમાં કરશે દર્શન
- સવારે 8.00 થી 8.45 સુધી મંત્રીમંડળ નિવાસ સંકુલ સ્થિત કોમ્યુનીટી સેન્ટરમાં નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદનનો શુભેચ્છા કાર્યક્રમ
- સવારેે 8.50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને નૂતન વર્ષ શુભેચ્છાઓ પાઠવવા જશે.
- સવારેે 10.30 થી 11.30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ નાગરિકો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ
- બપોરે 11.45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો સાથે સ્નેહમિલન કાર્યક્રમ