ગાંધીનગર: G20 અંતર્ગત ગિફ્ટ સિટીમાં યોજાઈ રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગમાં અને ફાઇનાન્સ સેક્ટરની મીટમાં સહભાગી થવા UAEના નાણાકીય બાબતોના રાજ્યમંત્રી શ્રીયુત મહોમ્મદ અલ હુસેની ગુજરાતના પાટનગર ગાંધીનગરની મુલાકાતે છે.
ધોલેરા SIR વિશે માહિતી આપી: UAEના નાણાકીય બાબતોના રાજ્યમંત્રીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે તેમને ધોલેરા SIR વિશે જાણકારી આપી હતી, જે GIFT સિટીની સાથે અન્ય રોકાણ હબ છે. ગુજરાતમાં ગિફ્ટ સિટી ઉપરાંત ધોલેરા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી (DSIR)માં જે બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો અને રોકાણકારો માટે ઉપલબ્ધ છે તેની વિગતો આપી હતી.
દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર ચર્ચા: ગુજરાત રીન્યુએબલ એનર્જી સેકટર અને ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય બનવાની સજ્જતા સાથે ગ્રીન ગ્રોથ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રીન ગ્રોથ પોલિસી સમજાવી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. મુખ્યપ્રધાને યુએઈના મંત્રીને આગામી જાન્યુઆરી 2024માં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત 2024માં હાજરી આપવા આમંત્રણ પણ આપ્યું હતું.
પરસ્પર રોકાણની સંભાવના: યુ.એ.ઈ અને ગુજરાત વિવિધ ક્ષેત્રે પરસ્પર રોકાણ કરી શકે તેમ છે તેની સંભાવનાઓ અંગે પણ આ બેઠકમાં ફળદાયી પરામર્શ થયો હતો. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે.હૈદર અને જી 20 કો-ઓર્ડીનેટર અગ્ર સચિવ મોના ખંધાર પણ જોડાયા હતા.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગ કાર્યક્રમ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ત્રીજી ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝની બેઠક અંતર્ગત ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યપ્રધાને જણાવ્યું કે એન્વાયર્નમેન્ટલ સસ્ટેનેબિલિટી અને સોશ્યલ બ્રોકરેજના માધ્યમથી જ ઇકોનોમિક ગ્રોથ અને ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી સાર્થક થાય છે.