ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધીરે ધીરે કચેરીઓમાં પણ કોરોનાં પહોંચી ગયો છે. નવા સચિવાલય અને જૂના સચિવાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યાં છે, ત્યારે જૂના સચિવાલયના પાછળના ભાગમાં આવેલા મીના બજારના વેપારીઓ ફફડી ગયા છે. જેને લઇને મંડળ દ્વારા સ્વયં વેપારનો સમય બદલી નાખવામાં આવ્યો છે.
કોરોના મહામારીના પગલે જૂના સચિવાલય મીના બજાર 13થી 31 જુલાઈ સુધી સાંજે 5 વાગ્યા સુધી જ ખુલ્લુ રહેશે. શિવ માઈક્રો શોપિંગ વેપારી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંડળ દ્વારા કલેક્ટરને પણ આ અંગે જાણ કરતા લખ્યું છે કે, સરકાર તરફથી તો સવારે 7થી રાત્રે 9 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી અપાઈ છે, પરંતુ કોરોના મહામારીને લઇને મીના બજારના વેપારીઓએ નક્કી કર્યું છે કે, 31 જુલાઈ સુધી સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી જ વેપાર-ધંધો ચાલુ રાખવામાં આવશે. તેમજ વેપારીઓ સ્વેચ્છાએ મહામારીમાં તંત્રને સહકાર આપવા માટે દુકાનો બંધ કરી દેશે. શિવ માઈક્રો શોપિંગ વેપારી મંડળ દ્વારા સર્વે વેપારી મિત્રોને પણ આ બાબતે સહકાર આપવા વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે, જૂના અને નવા સચિવાલયમાં ફરજ બજાવતા કર્મચારી બપોરે રિસેષના સમયે અને ત્યારબાદ ફરજ પૂર્ણ કર્યા પછી મીના બજારમાંથી ખરીદી કરતા હોય છે. જેમાં મોટાભાગના કર્મચારીઓ અમદાવાદથી અપડાઉન કરે છે, જેમાં કોઇ વેપારી કોરોના સંક્રમિત ન થાય તે માટે મીના બજારનો સમય બદલવામાં આવ્યો છે.