નાના ચિલોડા ગામમાં રહેતા દિપકજી ઠાકોરના પત્ની લીલાબેન પોતાના બે પુત્રો 15 વર્ષીય સંદીપ અને 11 વર્ષીય કૃણાલને લઈને રાયપુર ગામમાં સામાજિક પ્રસંગે ગયા હતા. જેમની સાથે તેમના બે પુત્રોનો મિત્ર 11 વર્ષીય મયુર મચ્છા પણ સાથે પ્રસંગમાં ગયો હતો. સામાજિક પ્રસંગ 3 દિવસ પહેલાં પૂર્ણ થઇ ગયો હતો, પરંતુ લીલાબેન ત્યાં રોકાયા હતા. શનિવારે બપોરના સમયે લીલાબેન તેમના 2 પુત્રો અને પુત્રના મિત્ર સાથે રાયપુરમા આવેલી કેનાલ પાસે કપડાં ધોવા ગયા હતા. તે દરમિયાન તેમના પુત્ર સંદીપનો પગ લપસતા કેનાલમાં ડૂબવા લાગ્યો હતો.
સંદીપને ડૂબતો બચાવવા માટે તેના ભાઈ કૃણાલે કેનાલમાં કૂદકો લગાવ્યો હતો. 2 ભાઈને ડૂબતા જોઈ સાથે ગયેલા મિત્ર મયુરે પણ કેનાલમાં કૂદકો લગાવ્યો હતો. 2 ભાઈ અને એક મિત્ર ત્રણેય કેનાલમાંથી બચવા માટે પ્રયાસ કરતા હતા, પરંતુ નીકળી શકતા ન હતા. તેને જોઈને માતા લીલાબેને પણ એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના કેનાલમાં પોતાના દીકરા અને દીકરા સમાન અન્ય એક બાળકને બચાવવા માટે કેનાલમાં ઝંપલાવ્યું હતું. એક સાથે 4 લોકોની જિંદગી કેનાલમાં ડૂબી રહી હતી.
ઘટના દરમિયાન બાજુમાંથી પસાર થતી એક યુવતીએ બચાવવા માટે બૂમ પાડી હતી. જે સાંભળીને સીમમા પોતાના બકરા ચરાવતો એક દેવીપૂજક યુવાન આવી ચડ્યો હતો અને તેને તેની પાસે રહેલો વાસનો લાકડું લાંબુ કરતા લીલાબેને પકડી લીધું હતું અને તેઓ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. પરંતુ 2 દીકરા અને દીકરાનો મિત્ર કેનાલમાં ડૂબી જતા આ ત્રણેયના મોત થયા હતા. આ બનાવની જાણ નાના ચિલોડા ગામમાં થતા સમગ્ર ગામમાં શોક પ્રસરી ગયો હતો, જ્યારે આ ત્રણેય બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.