છેલ્લા એક મહિનાથી ગાંધીનગર શહેરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે LRDના ઉમેદવારો પરીક્ષામાં અન્યાય થયો હોવાની માગને લઈને ધરણા કરી રહ્યા હતા. તેના એક મહિના બાદ બુધવારે રેલી યોજવાનું કહ્યું હતું. જેને લઇને સવારથી જ પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. મહિલા ઉમેદવારો રેલી કાઢવાની શરૂઆત કરી રહી હતી, તે દરમિયાન પોલીસ કર્મચારીઓએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસ અને મહિલા ઉમેદવારો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મહિલા ઉમેદવારો અને પોલીસ વચ્ચે હાથાપાઈ જેવા પણ દ્રશ્યો સર્જાયા હતા. તો એક મહિલા ઉમેદવારે કહ્યું કે, અમને જાણીજોઈને પુરૂષ પોલીસ દ્વારા હાથ લગાવવામાં આવ્યો છે. અમારા કપડા ફાડી નાખવામાં આવ્યા. જ્યારે બળજબરીપૂર્વક અમને પોલીસવાનમાં બેસાડવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન પોલીસ અને મહિલા ઉમેદવારો દોડાદોડી અને ઝપાઝપી કરતા જોવા મળ્યા હતા. એક મહિલા ઉમેદવારે કહ્યું કે, રાજ્યમાં ભાજપની સરકારમાં ન્યાય માટે ઉપવાસ કરવા પણ હવે મુશ્કેલ બની રહ્યા છે.
સરકાર મહિલાઓના સન્માનની વાતો કરી રહી છે. પરંતુ લોક રક્ષક દળમાં છેલ્લા એક મહિનાથી ઉપવાસ કરી રહેલી મહિલાઓ પર પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. Dysp એમ. કે. રાણાએ કહ્યું કે, મહિલાઓને રેલીની પરમિશન આપવામાં આવી નહોંતી અને તેઓ રેલી યોજવા જઇ રહ્યા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા મહિલાઓને ડિટેઇન કરવામાં આવી છે.