ગાંધીનગરઃ કલોલ તાલુકાના ઓળા ગામનો 25 વર્ષીય યુવક માણસા પાસેના ધોળાકુવામા મોસળું કરવા આવ્યો હતો. તેને ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા. તેની જાણ યુવતીના પરિવારજનોને થતાં તેઓ ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ કરી પકડી લાવ્યા હતા. યુવકને પરબતપુરા ગામ પાસે લાવી લાકડીઓ વડે માર મારી યુવતીના પરિવારજનો ભાગી છૂટયા હતા. જેના કારણે યુવકનું સારવાર મળે તે પહેલા કરૂણ મોત નિપજયું હતું.
મળતી માહિતી મુજબ કલોલ તાલુકાના ઓળામા રહેતો 25 વર્ષીય પરિણીત યુવક પરેશ રમેશજી ઠાકોર 20 દિવસ અગાઉ માણસા તાલુકાના ધોળાકુવા મોસાળમા આવ્યો હતો અને તે દરમિયાન ગામમાં જ રહેતી એક યુવતી સાથે આંખ મળી ગઇ હતી. આ વાતની યુવતીના પરિવારજનોને ખબર પડી ગઈ હતી. તેમાં સોમવારે સવારે આ યુવક પોતાના ઘરે ખેતરમાં જવાનું કહીને નીકળ્યો હતો. ત્યારબાદ યુવતીના પિતા અને તેના કુટુંબીજનો પરેશને શોધવા માટે ઘરે આવ્યા હતા. પણ તે ઘરે હાજર ના હોય તેના નાનીને ધમકી આપી કહ્યુ કે, તે અમારી દીકરીને ભગાડી ગયો છે તેને ગમે ત્યાંથી હાજર કરો તેવું કહી જતા રહ્યા હતા.
બપોરના સમયે યુવકના ઘરે કોઈએ સમાચાર આપ્યા હતા કે, પરેશને પરબતપુરા પાસે ભીમપુરા રોડ ઉપર માર મારવામાં આવ્યો છે એવું સાંભળી યુવકના નાના-નાની ત્યાં પહોંચ્યા હતા. તે સમયે યુવતીના પિતા સહિત પરિજનો ત્યાં પહોંચ્યા હતા અને તેમણે કહ્યું કે, તમારો ભાણો અમારી દીકરીને ભગાડીને લઈ જતો રહ્યો છે. અમે તેને પકડી લાવી સમજાવ્યો હતો પણ ન સમજતા તેને માર માર્યો છે તો હવે તેને તમે દવાખાને લઈ જાઓ અથવા તેના ગામ મૂકી આવો એવું કંઈ જતા રહ્યા હતા.
આ મારમાં યુવકના પગના ભાગે ગંભીર ઈજાઓને કારણે લોહી નીકળતું હતું, તેમજ મૂઢમાર મારતા કણસી રહ્યો હતો. જેને તાત્કાલિક રિક્ષામાં બેસાડી સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. તે સમયે રસ્તામાં ઇજાગ્રસ્ત યુવકે યુવતીના આ પાંચ પરિવારજનોએ પ્રેમ સંબંધ બાબતે લાકડીઓ વડે મારો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેને અર્ધ બેભાન અવસ્થામાં તેના ગામ પહોંચાડયો તે વખતે તેનું મૃત્યુ થયું હતું.આ વાતની જાણ પરિવારજનોએ પોલીસને કરી ધોળાકુવા ગામના પાંચ ઇસમો વિરૂધ્ધ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.