- રૂપાલની પલ્લી યોજાશે કે નહી તે અંગે અસમંજસ
- પલ્લી ફક્ત 25 વ્યક્તિ સાથે યોજવાની લોકોની માંગ
- રૂપાલ ગામનું બજાર બંધ કરવાનો લોકોનો નિર્ણય
ગાંધીનગર : નવરાત્રિના આઠમા દિવસે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયિની માતાજીની પલ્લી યોજવામાં આવે છે. પ્રાચીન કાળથી યોજવામાં આવતી રૂપાલની પલ્લી આ વર્ષે કોવિડ-19 ના કારણે સરકારે પરવાનગી ના આપતા રદ કરવામાં આવી છે. ત્યારે ગ્રામજનોએ અને રૂપાલ ગામના પૂર્વ સરપંચ અને એ.પી.એમ.સી.ના ડિરેક્ટર ઇન્દ્રવદન પટેલે માતાજી મોટા કે સરકાર તેવા પણ પ્રશ્નો ઉભા કર્યા છે.
ભક્તો કેવી રીતે છોડશે ઉપવાસ
ઈન્દ્રવદન ભજન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રૂપાલ ગામની પલ્લી પાંડવોના કાળથી ચાલી આવી રહી છે. લોકોનો અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા રૂપાલની પલ્લી પર હોય છે. ગામના 300 જેટલા લોકો પલ્લીમાં નવરાત્રિના નકોરડા ઉપવાસ કરતા હોય છે અને રૂપાલની પલ્લીના દર્શન કર્યા બાદ જ તેઓ ઉપવાસ છોડતા હોય છે. ત્યારે આ વર્ષે ભક્તો અને ઉપવાસ રાખનારા ભક્તો અસમંજસમાં છે.
રૂપાલની પલ્લીમાં ઘી ચડાવવાનો અનેરો મહિમા છે. ત્યારે આ વર્ષે કોવિડ 19 ના કારણે રૂપાલની પલ્લી રદ કરવામાં આવી છે. તેમ છતાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ ભરોસે 51 ડબ્બા ઘીનું દાન આવ્યું છે.
રૂપાલના ગ્રામજનોએ પલ્લી યોજવાની માંગ કરી
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અંબાજી ખાતેના તા. 23ના કાર્યક્રમમાં જ રૂપાલની પલ્લીનો મેળો નહીં યોજવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે પણ યુ.એન. મહેતા હૉસ્પિટલના લોકાર્પણમાં રૂપાલની પલ્લીમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રૂપાલની પલ્લી નહિ યોજાઈ. ત્યારે આજે ફરી રૂપાલના ગ્રામજનોએ પલ્લી યોજવાની માંગ કરી છે. તેમજ સરકાર મોટી કે માતાજી મોટાના પ્રશ્નો પણ સરકાર વિરુદ્ધ કરવામાં આવ્યા છે. આ સાથે જ પલ્લી ફક્ત 25 વ્યક્તિ સાથે યોજવાની માંગ કરી છે.
પલ્લીના સમર્થન અને સરકારના વિરોધમાં બજારો બંધ
રાજ્ય સરકાર દ્વારા પલ્લી નહીં યોજવાના વિરોધમાં ગ્રામજનોએ આજે અને આવતીકાલ સુધીમાં સમગ્ર રૂપાલ ગામનું બજાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ વિરોધ પલ્લીના સમર્થનમાં છે કે, સરકારના નિર્ણયના વિરોધમાં બંધ છે. તેવા પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. આમ હવે તો પલ્લી નહીં યોજાઈ પણ ક્યાંક ને ક્યાંક ગ્રામજનોમાં નારાજગી ઉભી થઇ હોય તેવું સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે.