- રાજ્યમાં અલગ અલગ 2 તબક્કામાં યોજવામાં આવશે ચૂંટણી
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે ટૂંક સમયમાં જાહેર
- 15 જાન્યુઆરી બાદ જાહેર થવાની શક્યતાઓ
- કોર્પોરેશન અને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે અલગ અલગ
ગાંધીનગર: નવેમ્બર ડિસેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોરોના સંક્રમણ અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ત્રણ મહિના પછી ઠેલવવામાં આવી છે. જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જાન્યુઆરીના અંત સુધીમાં ચૂંટણી યોજવાની સૂચના મળી છે, ત્યારે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા વીડિયો કોન્ફરન્સ યોજીને ચૂંટણી બાબતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે.
કોર્પોરેશનની ચૂંટણી અલગ યોજવામાં આવશે
અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા અને ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી અલગથી યોજવામાં આવશે, જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી પણ અલગથી યોજવામાં આવશે. આમ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને બે તબક્કામાં યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની પરિસ્થિતિમાં નહીં, પરંતુ બંને માળખાકીય બોડી અલગ અલગ હોવાના કારણે ચૂંટણી અલગ-અલગ તબક્કામાં યોજવામાં આવશે.
15 જાન્યુઆરી બાદ થશે જાહેરાત
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 15 મી જાન્યુઆરી બાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની નોટિફિકેશન સત્તાવાર રીતે બહાર પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે રાજેશ્વરી પંચાયત દ્વારા તમામ કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોઈ નાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આવવાના સાવચેતીના પગલા પણ લેવામાં આવ્યા છે. જ્યારે પીપીઇ કીટ, માસ્ક, સેનેટાઇઝર પણ ઉપલબ્ધ થાય તેવી રીતે આયોજન કરવામાં આવશે.
સંક્રમણ ના થાય તે માટે બુથની સંખ્યામાં વધારો થશે
વિધાનસભાની આઠ પેટા ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં કોરોના સંક્રમણ વધુ ન થાય તે માટે પોલિંગ બૂથની સંખ્યા વધારવામાં આવી હતી, ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ જ રીતની પેટર્નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર તાલુકા જિલ્લા પંચાયતમાં યોજાતી ચૂંટણીઓમાં વધારાના બુથ ઊભા કરવામાં આવશે.