- રાજ્ય સરકારે વેક્સિન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી
- કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાતમાં તરત જ થશે વેક્સિનેશન
- વેક્સિનનો પ્રથમ જથ્થો મુંબઈથી આવશે
ગાંધીનગર : દેશને વર્ષ 2021 ની શરૂઆતમાં કોરોનાની લડાઈ સામે લડવા માટે ભારત દેશને કોરોના વેક્સિન પ્રાપ્ત થઇ છે. ત્યારે ગુજરાત સરકારે પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી લીધી હોવાનું નિવેદન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપ્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર સરકાર જ્યારે પણ જાહેરાત કરશે ત્યારે રાજ્ય સરકાર વેક્સિનેશન આપવાની કામગીરી હાથ ધરશે.
મુંબઇથી આવશે કોરોના વેક્સિન
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં મુંબઈ ખાતેથી કોરોનાનો પ્રથમ જથ્થો મોકલવામાં આવશે. ગુજરાત સરકાર પણ વેક્સિનેશન માટે તૈયાર છે. જ્યારે 1 કરોડથી વધારે વેક્સિનેશન સ્ટોર કરવાની રાજ્ય સરકાર પાસે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે મુંબઇ ખાતે લઇ આવનાર પ્રથમ રસીનો જથ્થો ભારત સરકાર તરફથી સ્ટેટ ડેપોમાં મોકલવામાં આવશે. જ્યારે સ્ટેટ ડેપોમાંથી જિલ્લા ડેપોમાં મોકલાશે.
કોલ્ડ ચેઇનની વ્યવસ્થા પૂર્ણ
રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં કોલ્ડ ચેઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કોલ્ડ ચેઇન જળવાઈ રહે તે માટે પણ ગ્રીન કોરિડોર બનાવવાની પણ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે. જ્યારે રાખવા માટે 2 થી 8 ડિગ્રીમાં સાચવી શકાય તેવા રેફ્રિજરેટર પણ ઉપલબ્ધ કરાવ્યા છે.
રાજ્ય સરકારે 1.06 કરોડનો ડેટા તૈયાર કર્યો
કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકારે કોરોના વેક્સિન માટેના પ્રથમ ડેટા તૈયાર કર્યો છે. પ્રથમ ડેટાની જો વાત કરવામાં આવે તો સરકારી અને ખાનગી તબીબો પેરા મેડિકલ, મેડિકલ સ્ટાફ ,નર્સ અને મેડિકલ ક્ષેત્રે તમામ લોકોનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. આમ રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં કુલ 1.06 કરોડ નો ડેટા તૈયાર કર્યો છે.
ફક્ત કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ડાંગ જિલ્લામાં પાણી પુરવઠાની યોજનાનું ભૂમિ પૂજન કરતા સમયે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકારે કોરોના વેક્સિનની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી છે. કોલ્ડ ચેઇન સર્વેક્ષણ તાલીમ બધી વ્યવસ્થાઓ સરકારે કરી દીધી છે. કેન્દ્ર સરકાર જાહેર કરે કે, તુરત જ રસી આપવાની કામગીરી ગુજરાતમાં પણ શરૂ કરી દેવામાં આવશે.