ગાંધીનગર: વાવોલમાં કીર્તિધામ સોસાયટીમાં રહેતાં આશાબહેન રમેશકુમાર વાઘેલાએ 11 જાન્યુઆરીની રાત્રે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ હિંમતનગર મામાના દિકરાના ઘરેથી 4.50 લાખ રૂપિયા લઇને ગાંધીનગર આવતા હતા. તે દરમિયાન છાલા પાસે બાઈક પર આવેલા બે શખ્સોએ ચીલઝડપ કરી હોવાનું કહ્યું હતું.
આ કેસની તપાસ માટે ગાંધીનગર એલસીબી-2 પીઆઈ એચ.પી. ઝાલાએ ટીમ સક્રિય કરી હતી. જેમાં પોલીસે ફરિયાદી બહેન અને શંકમંદોની કોલ ડિટેઈલ્સ મંગાવી તેનું ટેક્નિક એનાલિસિસ કર્યું હતું. જેમાં ફરિયાદી બહેનની મુવમેન્ટ શંકાસ્પદ લાગતા પોલીસે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં ભાગી પડેલી મહિલાએ પોતે જ લૂંટનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
મહિલાએ કલોલમાં રહેતા પોતાના મિત્રો મહમંદઆરિફ મહંમદ શરીફ શેખ તથા મહંમદ અલ્ફાજ અયુબભાઈ મલેકની મદદ લીધી હતી. બંને શખ્સો મહિલાએ આપેલી ટીપથી પૈસા લૂંટીને છૂ થઈ ગયા હતાં. જેને પગલે પોલીસે ત્રણેયને ઝડપીને રોકડા 2.80 લાખ અને ફોન મળી કુલ 2.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.