ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ પોતાને મળતાં ઓછા કમીશન મામલે સરકાર સામે બાંયો ચડાવી હતી, રાજ્યના તમામ સંચાલકો વિરોધ સાથે હડતાળ પર ઉતરી ગયા હતા, ત્યારે રાજ્ય સરકારે આ મામલાની ગંભીરતાથી નોંધ લઈ બેઠક બોલાવ્યા બાદ દુકાનદારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં આવેલી સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને મળતાં કમિશનમાં ઘટતી રકમ ઉમેરી કુલ રૂપિયા 20000 સુધી કરી આપવાની જાહેરાત કરતા સંચાલકો એ પોતાની હડતાળ સમેટી લીધી છે.
સંચાલકોને સરકારની રાહત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ એવા ગ્રામીણ વિસ્તારોમાં આવેલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનધારકો માટે ઘટતું કમીશન ભરપાઈ કરવાની જાહેરાત કરી છે, જેમાં મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે આ નિર્ણય બાદ વધારાનો બોજ રાજ્ય સરકાર સહન કરશે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહત્વના નિર્ણય બાદ અન્ન અને પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને અન્ન અને પૂરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો પૈકી જે દુકાનો કાયમી હોય અને જેમાં NFSA રેશનકાર્ડની સંખ્યા 300 કરતા ઓછી હોય અને તેઓની પાસે અન્ય કોઈ નિયમિત દુકાનનો ચાર્જ ન હોય તેવી દુકાનના સંચાલકોની આવક 20,000 કરતા ઓછી થતી હોય તેવા સંજોગોમાં રાજ્ય સરકાર આવી દુકાનોના સંચાલકોને પોષણક્ષમ રાહત આપવાના હેતુસર સરકાર ઘટતી રકમની આપૂર્તિ કરશે.
ફરી અનાજનું નિયમિત વિતરણ: રાજ્ય સરકારના આ નિર્ણય બાદ અન્ન અને પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના તમામ દુકાનદારો દ્વારા આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને આજથી જ અનાજના જથ્થાનું નિયમિત રીતે વિતરણ ચાલુ કરવામાં આવશે. અને તહેવારોને અનુલક્ષીને રવિવારે પણ દુકાનો ચાલુ રાખવામાં આવે તેવી રાજ્ય સરકાર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્ય સરકારના આ નિર્ણયને દુકાનદારો તરફ થી સારો પ્રતિસાદ પણ મળ્યો છે, અને રાજ્યમાં 20,000 થી ઓછી આવક ધરાવતા દુકાનદારોને ઘટતી રકમ ભરપાઈ કરવામાં રાજ્ય સરકારને 35.53 કરોડનો બોજો સહન કરવો પડશે. જોકે હાલ તહેવારોમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે દુકાનો ફરી શરૂ થતાં ખુબ મોટી રાહત અનુભવી છે.