ગાંધીનગરઃ ખેડૂતોને પુરવણી વીજ બિલ ભરવામાંથી મુક્તિ આપવામાં આપવા અંગે સૌરભ પટેલે જણાવ્યું હતું કે, હયાત ધારાધોરણ મુજબ હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણની ચકાસણી દરમિયાન કરાર આધારિત વીજભાર મંજૂર વીજભાર કરતા 10 ટકા કે, તે કરતા વધારે વીજભારનો વપરાશ કરતા માલુમ પડે, તો પુરવણી વીજ બિલની આકારણી આયોગ તેનું નિર્દેશન પદ્ધતિસર કરવામાં આવે છે. ખેડૂત આગેવાનો તેમજ પ્રજાના પ્રતિનિધિઓ તરફથી સરકારને રજૂઆત મળેલી કે, આવા હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણના કરારિત વીજભાર મંજૂર વીજભાર કરતા વધારે વીજભારનો વપરાશ કરે, તો પુરવણી બિલ આપવાની પ્રક્રિયા કરતા પહેલા વીજ વિતરણ કંપનીઓએ ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણનો વધારાનો વીજ ભાર નિયમિત કરાવવાની તક આપવી જોઇએ. આ રજૂઆત અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી નિર્ણય લેવા આવ્યો છે.
આ રજૂઆત બાબતે આયોગ દ્વારા હયાત ધારાધોરણમાં સુધારો કરતું જાહેરનામું 17 જાન્યુઆરી 2020ના રોજ પ્રસિદ્ધ કરેલી છે. સદર સુધારેલા જાહેરનામાની જોગવાઈ મુજબ હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણની ચકાસણી દરમિયાન કરાર આધારિત વીજભાર મંજૂર વીજ ભાર કરતા વધારે વીજભારનો વપરાશ કરતા માલુમ પડે, તો પુરવણી વીજ બિલ આપતા પહેલા વીજ વિતરણ કંપનીઓએ ખેડૂતોને 30 દિવસની આગોતરી સૂચના આપી, વીજભાર નિયમિત કરાવવા માટે ખેડૂતને એક તક આપવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્યમાં 4 લાખ 80 હજાર જેટલાં હોર્સ પાવર આધારિત ખેતીવાડી વીજ જોડાણો છે. રાજ્ય સરકારનાં ઉપરોક્ત ખેડૂતલક્ષી પગલાના કારણે હોર્સ પાવર આધારિત કૃષિ વીજ જોડાણો ધરાવતા ખેડૂતોને વધારાનો વીજભાર નિયમિત કરાવવા માટે તક મળશે. તેમજ ખેડૂતોને પુરવણી વીજ બિલ ભરવામાંથી રાહત મળશે.