ગાંધીનગરઃ રાજ્યમાં લોકડાઉન બાદ પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત, બરોડા અને ગાંધીનગરમાં કોરોના કંટ્રોલ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી પ્રેસ કોન્ફરન્સ બંધ કરીને રિપોર્ટ પણ છેડછાડ કરીને મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવતો હતો. ત્યારે રવિવારે રાજ્યના 8 તબીબોને સરકારે ઢાલ બનાવી બચાવમાં ઉતર્યા હતા. અત્યાર સુધી સરકારે લીધેલાં પગલા અને આ તબીબોના મંતવ્યમાં જમીન આસમાનનો ફેરફાર જોવા મળ્યો હતો.
કોરોનાને લઇ ડૉક્ટર તેજસ પટેલે કહ્યું કે, કોરોનાથી 200થી વધુ દેશો સંક્રમિત થયા છે. વડાપ્રધાને કોરોનાનું સંક્રમણ ધીમું પાડવા લોકડાઉન આપ્યું હતું. આ રોગ માત્ર આપણા માટે નહીં, દુનિયા માટે નવું પગલું હતું. ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક વધારે છે. કોરોના વાઇરસની નિશ્ચિત કોઈ દવા કે રસી નથી. કોરોનાથી થતા મૃત્યુના કારણો શોધવા દોઢ મહિના પહેલા મિટિંગ થઈ હતી. ઇટાલી, બ્રિટન, સ્પેન જેવા દેશો પણ હજૂ આ કારણ શોધી શક્યા નથી. હાલ અમારો ફોક્સ સિરિયસ દર્દીઓને બચાવવા પર છે.
કો-મોરબીડીટી વ્યક્તિમા કોરોના વાઇરસ વહેલો પકડાય છે. વધુ ઉંમરના લોકોના શરીરમાં પણ કોરોના વાઇરસ ઝડપથી ફેલાય છે. RTPCR કીટ 100માંથી 65 પોઝિટિવ દર્દીને પકડી શકે છે. RTPCR ટેસ્ટ કોરોનાના લક્ષણો હોય તેના પર જ કરવો જોઈએ. A સીમટોમેટિક વ્યક્તિગત ટેસ્ટ કરવા માટે RTPCR ટેસ્ટ નથી. કોરોના પોઝિટિવ દર્દી સાજા થયા કે નહીં, તેનો ટેસ્ટ કરવા માટે પણ RTPCR ટેસ્ટ નથી. કોરોના વાઇરસથી ડરવાની કે લડવાની નહીં સાવચેત રહેવાની જરૂર છે. ગુજરાતમાં કોરોના વાઇરસ પિક પર ચાલે છે. ગુજરાતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજ ચાલે છે. ચોમાસામાં કોરોના વાઇરસ હવા દ્વારા ફેલાવો ઘટી શકે છે.
હર્ડ ઇમ્યુનિટી બાબતે ડૉક્ટર તેજસ પટેલે જણાવ્યું કે, 100 લોકોના સમૂહમાં 15 લોકો સંક્રમિત હોય અને અન્ય 25ને સંક્રમિત કરે તેમાંથી સાજા થાય અને સાજા થયેલા લોકોને બીજીવાર સંક્રમણ ન થાય અને 70 લોકો સંક્રમિત થાય તેને હર્ડ ઇમ્યુનિટી કહેવાય છે.
ડૉ. તુષાર પટેલે મોતના આંકડાઓ મુદ્દે બચાવમાં આવી કહ્યુ કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ મોડા આવે છે માટે વધુ મૃત્યુ વધુ છે. સિવિલ હોસ્પિટલમાં કો મોરબીટ વધારે આવે છે, માટે મૃત્યુ વધારે થાય છે. સિવિલમાં માર્ગદર્શન મુજબ જ સારવાર આપવામાં આવે છે.
ડૉ. મહર્ષિ દેસાઈએ કહ્યું કે, મૃત્યુ આંકને નિયંત્રણમાં લાવવો શક્ય નથી. અમે મૃત્યુ આંક નિયંત્રણ કરવાના બદલે દર્દીને યોગ્ય સારવાર આપવા પર ભાર આપીએ છીએ. અમારી જવાબદારી મૃત્યુ આંક ઘટાડવાની નથી. દેશમાં કોરોનાનો મૃત્યુ આંક 3.8 છે.
ડૉ. વિઠ્ઠલ શાહે જણાવ્યું હતુ કે, ઇમ્યુનો કોમ્પરોમાઇસ લોકોને કોરોના ઝડપથી અસર કરે છે. 100માંથી 80 ટકા લોકોને કોઈ પ્રોબ્લેમ નથી થતો. પલ્સ ઓક્સી મીટરથી ઘરે ચેક કરી શકાય છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોના સંક્રમણ થયું તેના કારણો તબલીગી લોકો અમદાવાદમાં આવ્યા હતા. અમદાવાદમાં ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વધારે છે. અમદાવાદમાં હજૂ પણ કેટલાક લોકો માહિતી છુપાવે છે. શરૂઆતમાં આરોગ્યની સારવાર લોકોએ તાત્કાલિક લીધી નહીં.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કસરત યોગ્ય ઉપાય છે. વિટામિન C અને D રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઝીંકનું ગ્રહણ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 7થી 8 કલાકની ઊંઘ લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 15 મિનિટ યોગા કે પ્રાણાયામ કરવાથી હકારાત્મકતા વધે છે. ભારતમાં 11 પ્રકારના કોરોના વાઇરસ છે. કોરોના વાઇરસ માટે ચોમાસાની કોઈ અસર નહિ થાય. ચોમાસામાં હવાથી ફેલાતો કોરોના ઘટી શકે છે.
ડૉ. અમીબેન પરીખએ જણાવ્યું હતુ કે, મલ્ટીપલ ઓર્ગન ઇનવોલ થાય છે, ત્યારે કેસ હાથમાંથી જાય છે. ફેફસા પર વધુ અસર થતા દર્દી હાઈ રિસ્ક પર જતું રહે છે. ફેફસા નબળા પડતા બહારથી આપતો ઓક્સિજન કામ નથી કરતો. નોર્મલ દર્દી 7 દિવસની અંદર સારવાર કે દવાના અભાવે સિરિયસ થાય છે. કોરોના વાઇરસ 4થી 74 કલાક સજીવન રહે છે. N95 માસ્ક માત્ર હોસ્પિટલમાં પહેરવા માટે જ છે. N95 માસ્ક જાહેર રોડ કે ઘરમાં પહેરવાની જરૂર નથી. સામાજિક અંતર જાળવવા માટે 2 મીટરનું અંતર જરૂરી છે.
ડૉ. દિલીપ માવલંકરએ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં ગીચ વસ્તી હોવાથી કેસ વધુ છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવાથી કેસ વધુ ફેલાયા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ વધારે છે, પણ કારણ શોધી રહ્યા છીએ. અમદાવાદમાં અન્ય રોગોના કારણે 25થી 30 મૃત્યુ થાય છે. અમદાવાદના સેન્ટ્રલ ઝોનમાં હર્ડ ઇમ્યુનિટી સ્ટેજ થયાનો અંદાજ છે. અમદાવાદમાં શરૂઆતમાં પૂર્વ વિસ્તારમાં કેસ વધારે હતા. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં હવે કેસ વધી રહ્યા છે. રોગ અને સંક્રમનમાં ઘણો તફાવત છે.
ડૉ. આર કે પટેલએ કહ્યુ કે, કોરોનાના દર્દીને આપતા ઈન્જેકશનની અત્યારે અછત છે. ગુજરાતમાં 200થી વધુ દર્દીઓને ટોસીલીઝુમેબબ ઈન્ઝેકશન આપ્યા છે. પ્લાઝ્મા થેરાપી અંગે રિસર્ચ ચાલે છે. હાઇડ્રોકસીનક્લોરોકવીન એઝીથરોમાઇસીન આપવાથી શુ પરિણામ મળે છે, તેનું રીસર્ચ ચાલે છે. ગુજરાતમાં કોરોનાનો મૃત્યુ રેટ 6.22 છે.