ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ માત્ર કલોલ તાલુકામાં 190 મિ.મિ પડ્યો છે. જ્યારે સોથી ઓછો વરસાદ ગાંધીનગર તાલુકામાં 88 મિ.મિ નોંધાયો છે. તે પછી દહેગામ પંથકમાં 181 મિ.મિ અને માણસા પંથકમાં તો અત્યાર સુધીમાં 164 મિ.મિ વરસાદ થયો છે. તેના કારણે જિલ્લાના ખેડૂતો પુરતા પ્રમાણમાં વાવેતર કરી શક્યા નથી. હાલમાં થયેલા વાવેતરમાં માણસા તાલુકો અગ્રેસર છે અને સૌથી વધુ કપાસના પાકનું વાવેતર થયું છે.
માણસા તાલુકામાં 17775 હેક્ટર થયું છે અને સૌથી ઓછું વાવેતર કલોલ તાલુકામાં 8939 હેક્ટર થયું છે.ચોમાસાનો આરંભ થતાની સાથે જિલ્લાના ખેડૂતોએ ખાતર અને બિયરણની ખરીદી શરૂ કરી દીધી હતી. તે સમયે પિયાતની સુવિધા ધરાવતા ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હતી. તે પછી દહેગામ અને ગાંધીનગર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ થતાં ખેડૂતો વાવણીના કામમાં લાગી ગયા હતાં. પરંતુ હાલના દિવસોમાં વરસાદ સાથ આપતો ના હોવાથી ગાંધીનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વધી છે. હાલમાં પડી રહેલા વરસાદના પગલે જિલ્લાના ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાઇ ગયા છે.
ગાંધીનગર જિલ્લામાં ખરીફ ઋતુ માટે કુલ 1.44 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર છે. તેમાં વરસાદના આગમનથી ૨૫મી જુલાઇ સુધીમાં 66500 હેક્ટરમાં ખરીફ વાવેતર થઇ શક્યુ હતું. આ તબક્કે અંદાજે 80 હજારથી વધુ હેક્ટરમાં વાવેતર થવું જોઇએ. તેના બદલે હાલના સંજોગોએ વરસાદની ખેંચ વર્તાઇ રહી હોવાથી ખેડૂતો ચિંતાની લાગણી અનુભવી રહ્યાં છે.
ગાંધીનગર જિલ્લામાં 25મી જુલાઇ સુધીમાં અંદાજે 66 હજાર 500 હેક્ટરમાં વાવેતર થઇ શક્યું હતું. તેમાં પ્રથમ ક્રમે સૌથી વધુ વાવેતર કપાસનું 23530 હેક્ટરમાં થયુ છે. તે પછી મગફળીનું 6147 હેક્ટરમાં, બાજરી માત્ર 94 હેક્ટર, મગ 114, અડદ 16, તલ 0, ગુવાર 2595, શાકભાજી 7965 અને ઘાસચારાનું વાવેતર 20032 હેક્ટરમાં થયું છે.