ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં જ્યાં IPS અને IAS અધિકારીઓ વસવાટ કરે છે, ત્યાં કૂતરું પણ ફરકતું નથી, પરંતુ જ્યાં સામાન્ય નાગરિકો રહેતા હોય છે, તેમને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે. દહેગામ શહેરમાં હરસોલી ચોકડી પાસે આજે એક સફેદ કલરની ગાયએ પ્રકાશ લક્ષ્મણભાઈ ભરથરી નામના યુવકને શિંગળે ભરાવ્યો હતો. આ બનાવની જોઈને આજુબાજુના લોકો તેને બચાવવા માટે દોડ્યા હતા. 10 મિનિટ જેટલા સમય સુધી આ યુવકને ભેટા માર્યા હતા જેને લઇને યુવક ઘાયલ થઈ ગયો હતો. ત્યારબાદ તેને દહેગામની હોસ્પિટલમાં સારવાર લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાંના ડોક્ટરને ગાંધીનગર હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી હતી. અંતે ગાંધીનગર સિવિલમાં યુવકનું મોત થયું હતું.
ગાયએ નિર્દોષ નાગરિકનો ભોગ લીધો આ બનાવને લઇને દહેગામ શહેરના નાગરિકોમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર કલેકટરને આ બાબતે ફોન કરીને રજૂઆત કરવામાં આવી હતી. જાગૃત નાગરિકે કહ્યું કે, સાહેબ ગામમાં રખડતી ગાયોનો ખુબ જ ત્રાસ છે. અગાઉ પણ આપને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઇ નિરાકરણ આવ્યું નથી. ત્યારે મારી આપને રજૂઆત છે કે, આપ રાષ્ટ્રપતિ પાસેથી મને ઈચ્છા મૃત્યુની મંજૂરી અપાવો. ત્યારબાદ કલેક્ટરે તેમણે આ પ્રકારની રજૂઆતો ફોન ઉપર નહીં કરવા અને રૂબરૂ જણાવવા જણાવ્યું હતું. તે દરમિયાન આ યુવક સતત પોતાની વાત સાહેબ તમે સાંભળો તેવું રટણ કરતો રહ્યો હતો, પરંતુ કલેક્ટર સાહેબે આ યુવકનો ફોન કટ કરી નાખ્યો હતો.