ગાંધીનગર સેક્ટર 25માં આવેલી GIDCમાં પાઠ્યપુસ્તક મંડળનું ગોડાઉન આવેલું છે. જ્યાં ગત 8 નવેમ્બરના રોજ ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના આશરે 42 લાખના 40 હજાર પુસ્તકોની ચોરી થઈ હતી. જેના એક મહિના બાદ એક કર્મચારી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી આપી હતી, પરંતુ તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યારે ઈટીવી ભારત દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ કરાયા બાદ સમગ્ર શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો હતો.
બુધવારના રોજ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પી.આઇ રાઠવા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એક અખબારી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે, સેક્ટર 25માં આવેલા પાઠ્યપુસ્તક મંડળમાં ગોડાઉનમાં ચોરીનો બનાવ બન્યો છે. તેમાં સ્ટોર્સ મેનેજર જે.એલ ખરાડીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે આઉટસોર્સમાં ફરજ બજાવતા અન્ય બે કર્મચારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવથી શિક્ષણ આલમમાં હડકંપ મચી ગયો છે.