રાજ્યની ભાજપ સરકારમાં ગોટાળા અને ભ્રષ્ટાચાર સામાન્ય શબ્દ થઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષા હોય કે, વિદ્યુત સહાયકની પરીક્ષાની જાહેરાત હોય, તમામ ક્ષેત્રે વિદ્યાર્થીઓ હવે આંદોલન કરી રહ્યા છે. વ્યાજબી કારણો સર વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં 25 વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાતમાં શાસન કરી રહેલી ભાજપ સરકારના પેટનું પાણી હાલતું નથી.
ગાંધીનગર શહેરમાં આવેલી આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી (બિરસા મુંડા ભવન) રાજકોટ જિલ્લાની કોલેજોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો. કચેરી શરૂ થાય તે પહેલાં જ વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા, જ્યાં આદિજાતિ વિકાસ કમિશ્નરની ચેમ્બર બહાર જ રૂપાણી હાય હાય... ભાજપ સરકાર હાય હાય....ના નારા લગાવ્યા હતાં. પોતાની માંગણીને લઇને આવેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે, એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને શિષ્યવૃત્તિ મળી જતી હોય છે.
દાહોદ, ગોધરા, પંચમહાલ અને વલસાડના વિદ્યાર્થીઓ બીએડ નર્સિંગ ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા રાજકોટ જિલ્લામાં આવેલી કોલેજોમાં જાય છે. દર વર્ષે વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ મળી જાય છે. પરંતુ, ત્રણ મહિના થવા છતાં અમને મળતી શિષ્યવૃતિ હજુ સુધી મળી નથી. જે સંસ્થામાં રહીને અભ્યાસ કરી રહ્યાં છે, તે સંસ્થા દ્વારા અમને છેલ્લા એક મહિનાથી મફત રહેવા અને જમવાની સુવિધા પુરી પાડી છે. પરંતુ, હવે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, તમારી ફી મળી નથી. આદિજાતિ કમિશ્નર કચેરીમાં રજૂઆત કરવા આવ્યા છીએ. જો અમારી રજૂઆતને ધ્યાન પર લેવામાં નહીં આવે તો અહીંયા જ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણાં કરીશું.
આ બાબતે આદિજાતિ વિકાસ કમિશ્નર દિલીપ રાણાએ કહ્યું કે, વિદ્યાર્થીઓની માંગણીને લઇને તેમની સાથે વાત કરવામાં આવી છે. જ્યારે રાજકોટ કચેરીના અધિકારી સાથે પણ વાતચીત કરી છે. આજ સાંજ સુધીમાં કેટલીક કોલેજના વિદ્યાર્થીઓને તેમની શિષ્યવૃત્તિ મળી જશે.