સુરત: બિપરજોય વાવાઝોડાને લઇને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે, રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વાર રાજ્યના જે સ્થળે વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે ત્યાં તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવા માટે પેહલા જ આદેશ આપી દેવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા ગામના લોકો જોડે સતત સંપર્કમાં રહીને તમામ પ્રકારની સાવચેતી કરી લેવામાં આવી છે.
'કાંઠા વિસ્તારના તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે, તંત્ર દ્વારા જે પ્રકારનું સૂચન કરવામાં આવે તેનું પાલન કરવામાં આવે. વહીવટી તંત્રને મદદરૂપ થઈ આપણે આપણા જિલ્લા અને આસપાસના લોકોના પરિવારને સુરક્ષિત રાખવા માટે મદદરૂપ થઈએ.' -હર્ષ સંઘવી, ગૃહપ્રધાન, ગુજરાત
સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ: ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં સંભવિત વાવાઝોડા બિપરજોય ત્રાટકવા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરતના બંને દરિયાકાંઠે ઉચા મોજા ઉછળવા સાથે કરંટ જોવા મળી રહ્યો છે.તે સાથે સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત જિલ્લાના અધિકારી-કર્મચારી ઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરએ આદેશ કર્યો છે.
સુવાલી અને ડુમસ બીચ બંધ: બીજી બાજુ સુરત પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પડ્યું છેકે, સુવાલી અને ડુમસ બીચ વિસ્તારમાં લોકોની અવરજવર તથા માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર ત્રણ દિવસ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગઈકાલ સવારથી જ સુરતના દરિયાકાંઠે દરિયામાં ઉચા મોજા ઉછળવા સાથે કરંટ જોવા મળ્યો છે. તો બીજી તરફ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે.
42 ગામો એલર્ટ: ઉપરાંત તંત્ર દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ પણ શરુ કરી દેવામાં આવ્યો છે. તેમજ સુરત જિલ્લાના ત્રણ તાલુકાના 42 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. એસડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા પણ આગમચેતીના ભાગરૂપે હાઈરાઈઝ બિલ્ડીંગ પરથી બેનર્સ અને હોર્ડિંગસ વગેરે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.