ગાંધીનગર : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અચાનક દિવાળીના તહેવાર પૂર્વે રાજ્યમાં DySP કેડરના અધિકારી કે.કે. પટેલ અને ભાવેશ રોજીયાને 7 નવેમ્બરના રોજ SP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ બંને અધિકારીઓની વાત કરવામાં આવે તો આરોપીઓ અને ગુનેગારો બંને અધિકારીઓના નામથી ફફડે છે. ગુજરાતમાં બનેલા મોટા ગુનાને ડિટેક્ટ કરવામાં આ બંંને અધિકારીઓનું કાર્ય આવકારવા દાયક છે. DySP થી SP તરીકે પ્રમોશન બાદ ETV BHARAT દ્વારા બંને અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
કોણ છે કે. કે. પટેલ ? ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા હાલમાં ATS વિભાગમાં ફરજ બજાવતા કે. કે. પટેલને SP તરીકે બઢતી આપવામાં આવી છે. SP કે. કે પટેલની વાત કરવામાં આવે તો તેઓએ વર્ષ 1993 બેચના PSI તરીકે કેરિયરની શરૂઆત કરી હતી. સુરત શહેર અને ગ્રામ્યમાં PSI અને ત્યારબાદ પ્રમોશન મેળવી અમદાવાદ શહેર તેમજ ATS વિભાગમાં PI તરીકે ફરજ બજાવી છે. ઉપરાંત તેઓએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પણ PI તરીકે મહત્વની ફરજ બજાવી હતી. કે. કે. પટેલને ATS વિભાગમાં DySP તરીકે વર્ષ 2018 માં રાજ્ય સરકારે નિમણૂક આપી હતી.
ATS વિભાગમાં કરી ઉમદા કામગીરી : કે. કે. પટેલની કામગીરી અંગે વાત કરવામાં આવે તો ATS વિભાગમાં ફરજ દરમિયાન વર્ષ 1993 માં મુંબઈ બ્લાસ્ટ કેસમાં 7 આરોપીને ઝડપ્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં આતંકવાદી હુમલો કરવાની તૈયારી કરી રહેલા ISIS ના 4 આતંકીઓને તમિલનાડુમાંથી અને ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સના 5 આંતકવાદીઓને ગુજરાત અને કાશ્મીરમાંથી પકડ્યા હતા. મહત્વની વાત કરવામાં આવે તો વર્ષ 2002 માં અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદી હુમલાના આરોપીઓને પકડવામાં તેઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
પ્રેસિડેન્ટ એવોર્ડનું સન્માન : અમેરિકન કોન્સ્યુલેટ પર કોલકાતામાં થયેલા હુમલામાં પણ 1 આરોપી તેમજ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ અને દિલ્હીના વર્ષ 2000 ના લાલ કિલ્લા એટેક જેવી મહત્વની અને મોટી ઘટનાઓમાં પણ આરોપીઓને પકડવા માટે કે. કે. પટેલે મહત્વની ભૂમિકા ભજવી છે. આ તમામ કામગીરી બદલ વર્ષ 2016 માં કે. કે. પટેલને પ્રેસિડેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે 2020 માં કેન્દ્રીય ગૃહ મંત્રાલય વિભાગથી સ્પેશિયલ ઓપરેશન મેડલ અને ડીજીપી તરફથી કોમોડેશન ડિસ્કનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આમ અત્યાર સુધીમાં તેઓએ 320 જેટલા રિવાર્ડ અને 3 લાખ રોકડ પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યો છે.
કોણ છે બી. પી. રોજીયા ? રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી ભાવેશ રોજીયાને DySP માંથી SP તરીકે બઢતી આપવામાં આવી છે. બી.પી. રોજીયાની મૂળ ભાવનગરના છે અને વર્ષ 2004 ની બેચના PSI છે. જ્યારે ભાવેશ રોજીયાના ભૂતકાળની વાત કરવામાં આવે તો તેઓએ બરોડા ગ્રામ્ય, ખેડા અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં PSI તરીકે ફરજ બજાવી છે. જ્યારે વર્ષ 2012 માં તેઓને PSI માંથી PI તરીકે પ્રમોશન મળ્યું હતું. ત્યારે પણ તેઓએ ATS વિભાગમાં ફરજ બજાવી હતી અને વર્ષ 2022 માં તેઓએ સુરત ક્રાઈમ બ્રાન્ચના SP તરીકે ફરજ બજાવી છે.
કાબિલેદાદ કામગીરી : ભાવેશ રોજીયાએ ATS વિભાગમાં ફરજ દરમિયાન કરોડોના ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ સહિત ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડતા 36 થી વધુ પાકિસ્તાની, 16 થી વધુ ઈરાની અને ત્રણ અફઘાનિસ્તાનનીને પકડી ચૂક્યા છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના નેતાઓ કમલેશ તિવારીના હત્યારાઓ પકડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભાવેશ રોજીયાની કામગીરીની વાત કરવામાં આવે તો અમદાવાદ જ્વેલર્સ અને ગેંગસ્ટર એવા વિશાલ ગૌસ્વામીની ધરપકડ પણ ભાવેશ રોજીયાએ કરી છે. કોઈને જાણ ન થાય તે રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2007 માં પણ ભાવેશ રોજીયા દારૂ ભરેલી કારને અટકાવવા માટે ચાલુ કારના બોનેટ ઉપર ચડી ગયા હતા અને ડ્રાઇવરને ગોળી મારીને તેની ધરપકડ પણ કરી હતી.
454 જેટલા એવોર્ડ અને સન્માન : આમ અનેક કામગીરીમાં ભાવેશ રોજીયાને હાથ-પગ અને ચહેરા પર ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે ભાવેશ રોજીયાની કામગીરી બાબતે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પણ કોમનેશન ડિસ્ક ગ્રુપ વિભાગ દ્વારા કુશળતા પદક અને રાજ્યના ડીજીપી દ્વારા પણ સ્પેશિયલ ઓપરેશન મેડલ મળી ચૂક્યા છે. જ્યારે 19 વર્ષની કામગીરીમાં ભાવેશ રોજીયાએ કુલ 454 જેટલા રિવોર્ડ અને 3.70 લાખથી વધુના રોકડ ઇનામ પણ મેળવ્યા છે.