ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લોકડાઉન દરમિયાન સુરત જિલ્લા સહિત અન્ય જિલ્લામાં રોજગારી અર્થે ગયેલા લોકો પોતાના વતન પહોંચી શકે તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. તેથી રાજ્ય સરકારે હવે આવા ફસાયેલા લોકોને એસ.ટી બસની સુવિધા આપવાની જાહેરાત કરી છે.
આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, સુરત સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં કેટલાય લોકો રોજગારી અર્થે ફસાયા છે. ત્યારે તેઓ ગુજરાતના જ પોતાના જિલ્લામાં જવા માંગતા હોય તો તેઓએ ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત સુરતમાં ફસાયેલા રત્નકલાકારો બાબતે અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, તેઓને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ખસેડવા માટે રાજ્ય સરકાર દ્વારા એસ.ટી.ની બસની સુવિધા આપવામાં આવશે.
લોકોએ અમુક ચોક્કસ સંખ્યામાં સુરત એસટી બસ સ્ટેન્ડ ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ તેમને તેમના જિલ્લામાં લઈ જવામાં આવશે. જ્યારે એસટી બસ ટિકિટનો ખર્ચ જે-તે મુસાફરે જ ઉઠાવવાનો રહેશે. સુરત જિલ્લામાં સૌરાષ્ટ્ર સહિત પાલનપુર અને ઉત્તર ગુજરાતના લોકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ સુરત એસટી ડેપોથી સ્પેશિયલ બસ માટેની સુવિધા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી છે.
એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉન દરમિયાન સુરત શહેર અને જિલ્લામાં સૌરાષ્ટ્રના અનેક લોકો ફસાઈ ગયા છે. જેથી હવે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સુરતમાં ફસાયેલા લોકો પોતાના જિલ્લામાં અને વતનમાં જઈ શકશે. આ માટે રાજ્યકક્ષાના પ્રધાન કુમાર કાનાણી અધ્યક્ષતામાં એક કમિટીની પણ રચના કરવામાં આવી છે, ઉપરાંત જે તે જિલ્લામાં પહોંચ્યા બાદ તે વ્યક્તિઓએ 14 દિવસ હોમ ક્વોરનટાઈન રહેવું પડશે. આ સાથે જ તેઓ એક મહિના સુધી ફરી પાછા ફરી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ખેત મજૂરો માટે એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટેની છૂટ છાટ આપી દીધી છે. લોકડાઉન દરમિયાન ખેત મજુરો પોતાની રોજીરોટી કમાવવા માટે એક જિલ્લાથી બીજા જિલ્લામાં જઈ શકશે.