ગુજરાત રાજ્યમાં આતંકી હુમલાની દહેશતને લઇને રાજ્ય સરકાર સાથે રાજ્યની પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. જેને ધ્યાનમાં લઇને રાજ્યના DGP શિવાનંદ ઝાએ ગુજરાતના તમામ યાત્રાધામ તથા જે વિસ્તારોમાં વધુ ભીડ થતી હોય તેવા તમામ વિસ્તારોમાં પોલીસનો ખાસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જ્યારે, રાજ્યના DGP શિવાનંદ ઝાએ અધિકારીઓને પોતાની પાસે રિવોલ્વર અને હથિયારો રાખવાની સૂચના આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તમામ જગ્યાએ વાહનચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે, વાહન ચેકીંગ દરમિયાન પોલીસના તમામ વાહનોમાં હેલ્મેટ, રાઇફલ, ટીયર ગેસના સેલ પૂરતા પ્રમાણમાં સાથે રાખવાની સૂચના છે. આ બાબતે પણ તમામ શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. DGP ઓફિસથી એવી પણ સૂચના આપવામાં આવી છે કે જે પોલીસ કર્મીઓના હથિયારમાં કોઈ ખામી હોય તેવા તમામ હથિયાર હેડ ક્વાટર્સમાં જમા કરાવવાની સૂચના આપવામાં આવી છે.