ગાંધીનગર : ગુજરાત એસટી બસનાં ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હાલનું લોકલ બસનું ભાડું 0.64 હતું જેમાં વધારો થઇને 0.80 રૂપિયા પ્રતિ કિમી કરવામાં આવ્યું છે. એક્સપ્રેસ બસનું ભાડું 0.68 હતું જે વધારીને 0.85 રૂપિયા પ્રતિ કિમી થયું છે. નોન એસી સ્લીપરનું ભાડું 0.62થી વધીને 0.77 રૂપિયા પ્રતિ કિમી કરવામાં આવ્યું છે.
વિપક્ષે કર્યા પ્રહારો : એસટી નિગમના ભાવ વધારા સામે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે. મોંઘવારીના માર વચ્ચે એસટી નિગમે મુસાફરોને વધુ એક ફટકો આપ્યો છે. પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય તેલ, ગેસના ભાવ વધારો અને હવે એસટી નિગમના ભાવમાં પણ વધારો થયો છે. ખોટ સરભરના નામે ભાવ વધારો ઝીંકે છે બીજી તરફ ભાજપના કાર્યક્રમમાં વ્યવસ્થા કરાય છે. ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, વહીવટી તંત્રના આયોજનના અભાવ એસટીની ખોટ પાછળ જવાબદાર છે. એસટીમાં ચાલતા ગેરવહીવટ, ભ્રષ્ટાચાર માટે સરકારે જાહેરનામું બહાર પાડી જવાબદારી સ્વીકારવી જોઈએ.
20થી 25 ટકા વધારો : અન્ય રાજ્યોની સરખામણીએ પણ ગુજરાત વાહન વ્યવહાર નિગમનું ભાડું ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે. ગુજરાત એસટી નિગમ દ્વારા કિલોમીટરએ 20થી 25 ટકા જેટલો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત એસટીની ઓછામાં ઓછું ભાડું હાલ 7 રૂપિયા જે છે જે તેમાં વધારો કરીને હવે 9થી 10 રૂપિયા જેટલું થશે. આ ઉપરાંત એસી સ્લીપર અને સીટર બસોમાં કોઈપણ પ્રકારના ભાડામાં વધારો થયો નથી.
લોકલ બસના ભાડામાં વધારો : એસટી નિગમ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, છેલ્લા દસ વર્ષથી એસટીના ભાડામાં કોઈપણ વધારો કરવામાં આવ્યો નથી અને એસટી નિગમ દ્વારા લોકોને વધુમાં સારી સુવિધા મળી રહે તેવી શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ ડીઝલ, મોંઘવારી ભથ્થા, બસના ટાયરમાં પણ વધારો થયો છે. જેના કારણે ગુજરાત એસટી નિગમ દ્વારા બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.