ગાંધીનગર: વિશ્વ કપ 2023ની સૌથી વધુ રાહ જોવાતી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ તારીખ 14, ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવવા જઈ રહી છે. અગાઉ ખાલિસ્તાનીઓ અને ત્યારબાદ લોરેન્સ બિશ્નોઈને છોડવાના મુદ્દે ધમકી ભર્યા મેલ ગુજરાત પોલીસ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને પ્રાપ્ત થયા હતા. તેને ધ્યાનમાં લઈને આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ હતી.
સુરક્ષા બાબતે રિવ્યુ થયો: હર્ષ સંઘવીએ સુરક્ષા બાબતેની યોજાયેલી બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે " તારીખ 14 ઓક્ટોબર ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે જે મેચ આયોજન થવા જઈ રહી છે તેની સંપૂર્ણ સુરક્ષાનું આયોજન છે. સ્ટેડિયમ અંદર અને સ્ટેડિયમ બહાર ચુસ્ત સુરક્ષા રહેશે. મેચમાં તમામ પ્રેક્ષકો સલામત આવી શકે અને સલામત રીતે મેચની મજા માણી શકે એવી સઘન સલામતી રહેશે. રેલવે સ્ટેશન અને એરપોર્ટ થી સ્ટેડિયમ સુધી આવવા જવાની વ્યવસ્થા કોઈ પણ પ્રકારની ટ્રાફીકની અડચણ ઊભી ન થાય તે માટે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ સાથે ઉપરાંત સ્ટેડિયમની બહારની તમામ વ્યવસ્થાઓ બાબતની સમીક્ષા કરવામાં આવી હતી.
ઇન્ડિયા પાકિસ્તાનની મેચમાં વિશેષ સુરક્ષા: અમદાવાદ સેકટર 1 JCP એ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજુ પણ ચાર મેચો વિશ્વ કપની રમવાની બાકી છે. ત્યારે તારીખ 14 ઓક્ટોબરના રોજ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ યોજવા જઈ રહી છે. આ તમામ મેચો માટે હવે અમદાવાદ પોલીસ દ્વારા સઘન સુરક્ષા અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે અગાઉ 3000 જેટલા પોલીસ કર્મચારીઓ સ્ટેડિયમની અંદર અને બહાર સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. તે હવે વધારો કરીને 5000 જેટલા કર્મચારીઓને સ્ટેડિયમની અંદર અને બહાર સુરક્ષા માટે રાખવામાં આવશે. સાથે જ ઇન્ડિયા પાકિસ્તાન મેચ દરમિયાન વધુમાં વધુ પોલીસને સુરક્ષાની દ્રષ્ટિએ ફરજ આપવામાં આવશે.
અમદાવાદ ની હોટલ ગેસ્ટ હાઉસની સર્ચ ઓપરેશન: સેકટર 1 JCP ચિરાગ કોરડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, "મેચની અને સુરક્ષાને ધ્યાનમાં લઈને જ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ પહેલા તારીખ 11 ઓક્ટોબરના દિવસે જ પોઝિશન ગોઠવી દેવામાં આવશે જ્યારે અમદાવાદના તમામ હોટલ અને ગેસ્ટ હાઉસ નો પણ સર્ચ ઓપરેશન હાર્ટ કરવામાં આવશે જ્યારે તમામ લોકો કે જેઓ ભારત પાકિસ્તાનની મેચ જોવા માટે દેશ-વિદેશથી અન્ય રાજ્યમાંથી અથવા તો અન્ય શહેરમાંથી આવે છે તેઓએ સહેજ પણ ડરવાની જરૂર નથી કારણ કે ગુજરાત અને અમદાવાદ પોલીસે તમામ તૈયારીઓ કરી છે તેવું નિવેદન પણ જેસીપી સેક્ટર વન ચિરાગ કોરડીયા એ આપ્યું હતું.