ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. જેમાં જાન્યુઆરી 2023 થી નવેમ્બર 2023 સુધીમાં 1000 જેટલા ભૂકંપના આંચકા નોંધાયા હોવાનું સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું. ઉપરાંત ફક્ત કચ્છ રીઝનમાં 550 જેટલા આંચકા નોંધાયા છે. ત્યારે સિસ્મોલોજી વિભાગ તરફથી મળતી માહિતી મુજબ વર્ષ 2001માં આવેલા ભૂકંપની અસર આવનાર 50 થી 100 વર્ષ સુધી નાના નાના ભૂકંપના રૂપે જોવા મળશે.
ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ : સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટર સુમેર ચોપડાએ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગુજરાત અલગ અલગ ક્ષેત્રમાં એટલે કે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ છે. આમ ગુજરાતમાં ત્રણ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ છે, જે ભૂકંપગ્રસ્ત ભૌગોલિક છે. ત્યાં ખૂબ જ ભૂકંપ આવે છે અને મોટા પણ આવે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ખૂબ વધારે અને મોટા ભૂકંપો આવે છે. પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ ઓછા ભૂકંપ આવે છે. જ્યારે છેલ્લા 15 વર્ષમાં નવા ભૂકંપના વિસ્તાર સામે આવ્યા નથી.
ભૂકંપ વિજ્ઞાનનું ગણિત : સુમેર ચોપડાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2001 માં જે 7.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે ભૂકંપ ખૂબ મોટો હતો અને આ ભૂકંપના કારણે અમુક વર્ષો સુધી ભૂકંપ આવતા હોય છે, તેને આફ્ટર શોક તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ મોટો ભૂકંપ આવવાના કારણે આસપાસના વિસ્તારમાં જે નાના નાના ફોલ્ટ હોય છે તે ફરીથી એક્ટિવ થઈ જાય છે અને લોડેડ બની જાય છે. જેના કારણે આવા નાના નાના ભૂકંપ સતત આવતા રહે છે. આ ભૂકંપ અનેક વર્ષો સુધી આવે છે. જ્યારે છેલ્લા 15 વર્ષથી અમારો વિભાગ આ બાબતે પણ રિસર્ચ કરી રહ્યો છે. જેમાં નાના નાના ભૂકંપ આવે છે, પરંતુ નવો એક પણ ભૂકંપ હજી સુધી નોંધાયો નથી.
કચ્છ-ભુજનો એરિયા હતો તે એપી સેન્ટર ઝોન હતો. ત્યાં હજી પણ ભૂકંપના ઝટકા આવી રહ્યા છે અને આ અનેક વર્ષો સુધી ચાલશે. ગુજરાતમાં ત્રણ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ છે, જે ભૂકંપગ્રસ્ત ભૌગોલિક છે. વર્ષ 2001 માં જે 7.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. -- સુમેર ચોપરા (ડાયરેક્ટર, સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર)
ભૂકંપના કારણો : સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટર સુમેર ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં મોટો ભૂકંપ આવ્યો હોય અને પછી તે વિસ્તારમાં ભૂકંપ આવે તેને આફ્ટર શોક કહેવામાં આવે છે. વિશ્વમાં જોવા જઈએ તો એક ઇન્ટ્રા પ્લેટ હોય છે અને એક ઇન્ટર પ્લેટ હોય છે, જ્યારે કચ્છ રીઝન ઇન્ટર પ્લેટમાં આવે છે. પ્લેટની અંદર જે એરિયા આવે છે તેને ઇન્ટ્રા પ્લેટ કહેવાય છે અને બાઉન્ડ્રી ઉપર ઇન્ટર પ્લેટ કહેવામાં આવે છે. આમાં જે ભૂકંપ આવે છે તેની અસર 50 વર્ષ સુધી રહે છે. પણ જે ઇન્ટ્રા પ્લેટની અંદર મોટા ભૂકંપ આવે છે તેમાં 100 વર્ષ સુધી આફ્ટર શોક રહે છે. આમ કચ્છ-ભુજનો એરિયા હતો તે એપી સેન્ટર ઝોન હતો. ત્યાં હજી પણ ભૂકંપના ઝટકા આવી રહ્યા છે અને આ અનેક વર્ષો સુધી ચાલશે.
ગુજરાતમાં ભૂકંપના આંચકા કેટલા ? ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે જાન્યુઆરી 2023 થી નવેમ્બર 2023 સુધીમાં કુલ 550 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં 2.0 થી 2.9 ની તીવ્રતા સુધીના કુલ 317 આંચકા, 2.0 થી 2.9 ની તીવ્રતા સુધીના 144 આંચકા, 3 થી 3.9 સુધીના 129 આંચકા અને 4 થી 4.9 તીવ્રતાના કુલ 3 જેટલા ભૂકંપના આફ્ટર શોક નોંધાયા છે. જ્યારે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો નવેમ્બર 2023 સુધીમાં કુલ 1000 જેટલા નાના-મોટા ભૂકંપના આંચકા નોંધાયા છે. જેમાં 900 જેટલા આંચકા 3 તીવ્રતાથી ઓછાના આવ્યા હતા. આ પ્રકારના ભૂકંપને માઇક્રો અર્થક્વેક પણ કહેવામાં આવે છે.