ગાંધીનગરઃ અમદાવાદમાં કુલ 8 પેરામિલિટરી ફોર્સની કંપનીઓ દ્વારા સુરક્ષાની અભેદ્ય કિલ્લાબંધી સાથે સંક્રમિત વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં શહેરની પોલીસ ફોર્સ, એસ.આર.પી અને પેરામિલિટરી સહિત 38 કંપનીઓ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા ખાતે બે કંપની અને સૂરતમાં 6 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે.
ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં પણ સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જે પ્રતિબંધો છે તેનો નાગરિકો યોગ્ય પાલન કરે તે અત્યંત જરૂરી છે. ધર્મસંસ્થાના વરિષ્ઠોને ધાર્મિક સંસ્થાનો પર મેળાવડાઓ ન કરવા જોઈએ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાશે. જો ધાર્મિક સ્થળો પર લોકો એકઠા થયેલાં જણાશે તો કાર્યવાહી કરાશે. અમદાવાદ શહેરમાં ગુરુદ્વારામાં એકત્રિત થયેલ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
લોકડાઉન દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ, મનોરંજન સ્થળો, પાર્ટી પ્લોટ, મોલ વગેરે સ્થળો સદંતર બંધ રાખવા સૂચના આપવામાં આવી છે તેનું દરેકે ચુસ્ત પાલન કરી કોરોના સામેની લડાઈમાં સૌનો સહયોગ જરૂરી છે આવા સ્થળોએ જો લોકો એકઠા થશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સંક્રમણને અટકાવવા સામાજિક, પારિવારિક અને ધાર્મિક મેળાવડાઓને રોકવા નાગરિકોને અપીલ કરી છે.
વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયાં છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી 155 ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 11355 ગુના દાખલ કરીને 21391 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 60 ગુના નોંધીને 70 લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી 2629 ગુના નોંધીને 3745 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે 20 ગુનામાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં 567 ગુનામાં કુલ 828 લોકોની અટકાયત કરવામાં આવી છે.