ગાંધીનગર: ભારતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધતામાં એકતાનું મોટું મહાત્મ્ય ગાવામાં આવ્યું છે. ત્યારે દેશના લગભગ દરેક રાજ્યોમાં ગુજરાતીઓ વસ્તાં છે જેઓ પેઢીઓથી ગુજરાતનું પ્રતિનિધિત્વ દાખવી રહ્યાં છે. દક્ષિણ ભારતના મહત્ત્વના રાજ્ય તમિલનાડુમાં પણ સૈકાઓથી ગુજરાતી પરિવારો વસ્યાં છે. ત્યારે તેઓને પણ ગુજરાત બોલાવી બે સંસ્કૃતિનો મહાસંગમ કરાવવાનો ઉપક્રમ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી યોજાયો છે.
રંગારંગ ઉજવણી : રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ દ્વારા જણાવાયું હતું કે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં આવનારા પ્રવાસીઓ માટે ટુર ગોઠવાઇ છે. આ કાર્યક્રમ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ, દ્વારકા સહિતના તીર્થ ક્ષેત્રના સાનિધ્યે યોજાશે જેની રંગારંગ ઉજવણી જોવા મળશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયના લોકો વિશેષ ટ્રેન દ્વારા તમિલનાડુના મદુરાઇથી સોમનાથ આવશે.
કયા સ્થળોએ થશે ઉજવણી : એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમ અંગે વધુ વાત કરતા પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં 17 થી 30 એપ્રિલ દરમિયાન જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, દ્વારકા સ્થિત જગતમંદિર સહિત સૌરાષ્ટ્રના તીર્થ ક્ષેત્રોના સાનિધ્યે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાશે. સૈકાઓ જૂના સંબંધોને ફરી તાજા કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમનો આરંભ 17 એપ્રિલના દિવસે ખુદ પીએમ મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવનાર છે.
મૂળ માતૃભૂમિ સાથે જોડાયેલા રાખવાનો હેતુ : તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૈકાઓ પહેલાં વતન સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર કરીને છેક દક્ષિણી રાજ્ય તમિલનાડુમાં સ્થાયી બનેલા સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયને પોતાની મૂળ માતૃભૂમિ સાથે જોડાયેલા રાખવાના હેતુથી પીએમ મોદીએ જ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના આયોજનનો વિચાર આપ્યો હતો. તેમના આ વિચારને ગુજરાત સરકારે પરિપૂર્ણ કરવા બીડું ઉપાડ્યું અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે સંકલનમાં રહીને સૌરાષ્ટ્ર તામિલ સંગમને ઉજવવાનું સમયબદ્ધ અને વિસ્તૃત આયોજન આદર્યું હતું જેની વિવિધ કામગીરીઓ લાંબા સમયથી કરવામાં આવી રહી છે.
અઢીસોથી ત્રણસો પ્રવાસીઓની બેચ : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ભાગ લઇ મૂળ વતનની માટીની મહેંક માણવા તમિલનાડુથી સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયના લોકો માટે વિશેષ ટ્રેન પણ ચલાવવામાં આવશે જેના થકી પ્રવાસીઓ માદરે વતન આવશે. આ માટે 14 એપ્રિલથી દરરોજના ધોરણે આશરે અઢીસોથી ત્રણસો પ્રવાસીઓની બેચ સાથે વિશેષ ટ્રેન તમિલનાડુના મદુરાઈથી ગુજરાત આવવા માટે રવાના થશે.
ટુરનું આયોજન કરાયું : આ તકે પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આવનાર દરેક યાત્રિકો માટે સોમનાથ મહાદેવના સામૂહિક દર્શન પૂજનઅને લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નિદર્શન નિહાળવાની વ્યવસ્થાઓ થઇ છે. આ ઉપરાંત તેમના માટે વિવિધ સ્પર્ધાઓ અને ફેસ્ટિવલ્સ આયોજન દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવનાર છે. સાથે સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં સહભાગી થનારા લોકોને સોમનાથ મહાદેવ ઉપરાંત દ્વારિકાધીશ મંદિર, નાગેશ્વર, શિવરાજપુર બીચ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસમાં પણ લઇ જવાનું આયોજન ઘડાઇ ગયું છે.