રાજ્યમાં 1100 જેટલા શિક્ષકો વિશિષ્ટ બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. પરંતુ, આ શિક્ષકોને પૂરતો પગાર આપવામાં આવતો નથી. હાલમાં જ ધોરણ 8થી 10ના શિક્ષકોને વિશિષ્ટ બાળકોને અભ્યાસ કરાવવા માટે મુકવામાં આવ્યા છે. પરંતુ, સમાન કામ હોવા છતાં પગાર બાબતે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. વર્ષોથી સમગ્ર શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા શિક્ષકોને મામૂલી વેતન આપવામાં આવી રહી છે.
જ્યારે તાજેતરમાં જ કામગીરી સોંપવામાં આવેલા શિક્ષકોને ફુલ પગાર આપવામાં આવી રહ્યો છે, ત્યારે આ બાબતે અનેક વખત રજુઆત કરવા છતાં વર્ષો જૂના શિક્ષકો સામે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ વિશિષ્ટ બાળકોને અભ્યાસ કરાવતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષક લગધીરભાઈ મેરે કહ્યું કે, સરકાર દ્વારા અમારી સામે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. અનેક વખત રજૂઆતો કરી છે. તેમ છતાં અમને લોલીપોપ આપવામાં આવી રહ્યાં છે.
સરકારની કામગીરી બખૂબી નિભાવી રહ્યા છે. છતાં પણ અમને યોગ્ય પગાર આપવામાં આવતો નથી. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં રાજ્ય સરકાર અમને પૂરતો પગાર આપતી નથી. પરિણામે ગાંધીનગર શહેરમાં આવેલી સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીમાં ડાયરેક્ટરને રજૂઆત કરવા આવ્યા હતાં. તેમના દ્વારા એક મહિનો રાહ જોવાનું જણાવ્યું છે. પરંતુ, એક મહિના બાદ જો અમારી માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવશે.