ગાંધીનગરના પ્રભુભાઈ કબીરા વ્યવસાયે રીક્ષાચાલક છે. પરંતુ કર્મે તેઓ શિક્ષણવિદ્દ, કર્મશીલથી ઉણા ઉતરતા નથી. મોંઘવારીની મહામારીમાં રીક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરવું કઠિન છે. સવારથી સાંજ સુધી રીક્ષા ચલાવે ત્યારે માંડ બે સમયના ભોજનની વ્યવસ્થા થઈ શકે. આવી અભાવવાળી જીંદગીમાં સમય કાઢીને એવુ કામ શરુ કર્યુ છે. જે અનેક પરિવારના જીવનમાં અજવાળુ પાથરશે. ત્રણ ચોપડી ભણેલા પ્રભુભાઈએ ગરીબ બાળકોનું શિક્ષણ મેળવવાનું સપનું સાકાર કરવા શાળા શરુ કરી છે. બાળકોને ભણાવવા માટે તેમનું ઘર સાંકડુ પડયુ તો જાહેર માર્ગ ઉપર જ શરુ કર્યુ શિક્ષણ આપવાનું કાર્ય.
પ્રભુભાઈ જણાવે છે કે, ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાના બિજ ચાર વર્ષ પહેલા રોપાયા હતાં. તેમણે આ વાત તેમના પરિચિત અને સચિવાલયમાં કામ કરતા હસુમતીબેનને આ વિચાર કહ્યો. કાર્ય અઘરુ હતું પણ ઉત્તમ હતું એટલે હસુમતીબહેને છોકરાંઓ ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી.
હસુમતી બહેને કહ્યુ હતું કે, તેઓ ત્રણ વર્ષથી અહીં બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. ઝુપડપટ્ટીના બાળકો સારી શાળામાં ભણી શકતા નથી. તેમનો પાયો કમજોર ન રહી જાય તે માટે 1 થી 8 ધોરણના બાળકોને શિક્ષણ આપે છે. સચિવાલયની નોકરી કર્યા પછી સાંજના સમયે તેઓ આ કામ કરે છે.
શિક્ષણના આ યજ્ઞમાં નિવૃત શિક્ષક વિરેન્દ્રભાઈ મોદીએ ત્રણ વર્ષ પહેલા યોગદાન આપવાનું શરુ કર્યુ હતું. નિવૃતિને પ્રવૃતિમય બનાવવાના ઉદ્દેશથી તેઓએ પણ શિક્ષણકાર્યમાં જોતરાયા હતાં. રીક્ષા ડ્રાઈવરને આવેલો વિચાર એવી રીતે વિસ્તર્યો કે આજે 50 થી વધુ બાળકો મફતમાં શિક્ષણ મેળવી શકે છે. અભ્યાસ કરાવવાની સાથે શિક્ષણ માટે જરુરી નાની-મોટી ચીજ-વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. પ્રભુભાઈ દરેક બાળકના ઘર સુધી રીક્ષા લઈને તેમને લેવા જાય છે અને મુકવા જાય છે.
રાજધાની ગાંધીનગરના સેક્ટર 3માં શોપિંગ સેન્ટરની પાસે ખુલ્લામાં આ શિક્ષા યજ્ઞ ચાલી રહ્યો છે. જે ગુજરાતની શિક્ષણનીતિ પર સવાલ ઉભા કરે છે. સરળ, સસ્તા છતાં ઉત્તમ શિક્ષણની પહોંચ સચિવો જ્યાં બેસે છે તેના આસપાસના વિસ્તાર સુઘી પણ અસરકારક રીતે પહોંચી નથી. તેનુ આ સટીક ઉદાહરણ છે. પરંતુ સરકાર જ બધુ કરે તેવી અપેક્ષાએ આંદોલનો કરવા કરતાં સ્વપ્રયત્ન થકી સમાજ ઘડતરમાં યોગદાન આપવું એ નૈતિક ફરજ છે. ગરીબ પરિવારના બાળકને ક્યારેય રીક્ષા ચલાવવાની ફરજ ન પડે તેવા સાદા વિચારથી શરુ થયેલુ આ કાર્ય આ પ્રશંસાને પાત્ર બન્યુ છે.
દિલીપ પ્રજાપતિનો વિશેષ અહેવાલ