- ગામ લોકોએ જાતે નિયમો પાડી કેસો ઘટાડ્યા
- અગાઉની તૈયારી રૂપે આઇસોલેશન બેડ ઉભા કર્યા
- જીવનજરૂરી ચીજ વસ્તુઓ સવાર સાંજ 2 કલાક ખુલ્લી રહે છે
ગાંધીનગરઃ દહેગામ તાલુકાનું રામનગર ગામ બહુ નાનકડું ગામ છે, પરંતુ આજે અન્ય ગામો માટે ઉદાહરણરૂપ સાબિત થયું છે. આ નાનકડા ગામમાં 700ની વસ્તી છે. જેમાં એક સમય 20 જેટલા કોરોના પોઝિટિવ કેસો હતા જ્યારે 10 લોકોના મૃત્યુ થયા હતા. કોરોનાની આ કપરી સ્થિતિમાં ગામના સરપંચ તેમજ ગામના વડીલોએ સ્વયં-ભૂ લોમડાઉનનો નિર્ણય કર્યો હતા. આજે પણ ગામમાં ફક્ત સવાર અને સાંજ એમ 2 કલાક જ દુકાનો ચાલુ રહે છે. આજ પરિસ્થિતિમાં ગામે અગાઉની તૈયારીના ભાગરૂપે ગ્રામ પંચાયતની મદદથી આઇસોલેશન બેડ શરૂ કર્યા છે. આજે માંડ 3થી 4 કેસો છે એ પણ એકદમ નોર્મલ છે. આગામી સમયમાં રામનગર ગામ જલ્દી કોરોના મુક્ત ગામોની યાદીમાં સ્થાન પામશે.
આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટ : કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, 27 દિવસે 10 હજારથી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા
ગ્રામપંચયાતની તકેદારીના લીધે કોરોનાના કેસો 20થી ઘટીને 4 થયા
રામનગર ગ્રામ પંચાયત તેમજ લોકોની મદદથી ગામને 2 વખત સેનિટાઇઝ કરાયું છે. જરૂર પડે તો હજુ પણ ગામ લોકો આ તકેદારી રાખશે. એક સમયે આ નાનકડા ગામમાં 10 મૃત્યુ થઈ ગયા હતાં ઓછી વસ્તીમાં આટલી મોટી સંખ્યામાં મૃત્યુ વધતા સૌ કોઈને ચિંતા હતી, પરંતુ ગામના સરપંચ અને લોકોએ મળીને સ્વયં-ભૂ લોકડાઉન કરવાનું વિચાર્યું હતું. આ અંગે ગામના આગેવાન દિનેશ પટેલે કહ્યું કે, પહેલા શનિ રવિ લોકડાઉન લગાવ્યું હતું. ત્યારબાદ આજે પણ ચાર કલાક જ ગામમાં દુકાનો ચાલુ રાખવામાં આવે છે. બાકીના સમયે તે સ્વયંભૂ દુકાનો બંધ રાખે છે. ગામમાં તમામ લોકોએ માસ્ક પહેરવા ફરજિયાત છે તેનું કડક પણે પાલન ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. નાના ધાર્મિક કાર્યક્રમો 4 લોકોની હાજરીમાં જ થાય છે.
હોમ આઇસોલેશનની વ્યવસ્થા નથી તેમના માટે બેડ ઉભા કરાયા
આ અંગે ગામના સરપંચ વિલાશ પટેલે કહ્યું કે, "જે લોકોના ઘરે હોમ આઇસોલેશનની પુરતી વ્યવસ્થા નથી તેમજ જેઓ નિરાધાર છે તેવા લોકો માટે આઇસોલેશન બેડ ગામમાં જ ઉભા કરવામાં આવ્યા છે. અગાઉની આ તૈયારી છે. જ્યાં દર્દીને રાખવામાં આવશે, પરંતુ અત્યારે માત્ર ત્રણથી ચાર જ કેસો છે એ પણ સાજા થવાની કગાર પર છે." જેથી આગામી સમયમાં ગામ કોરોના મુક્ત બનશે. આ નાના ગામે મોટા લેવલે કોરોનામાં આયોજન કરી કેસો ઘટાડ્યા છે. અહીં 4થી વધુ લોકોને એકત્રિત થવા પર પણ પાબંદી છે.