રવિવાર સવારે 10 વાગ્યાની આસપાસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ PMના માતા હીરાબાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં 30 મિનિટ સુધી રામનાથ કોવિંદે હીરાબા સાથે સમય વિતાવ્યો હતો. મુલાકાત દરમિયાન હીરાબાએ રાષ્ટ્રપતિને શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. સાથે જ રામનાથ કોવિદે પણ માતા હીરાબાને શાલ ભેટમાં આપી હતી. ઉપરાંત હીરાબાએ રાષ્ટ્રપતિને ભેટ રૂપી એક ચરખો પણ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિની મુલાકાત ફક્ત 15 મિનિટ સુધી જ હતી પણ રામનાથ કોવિંદ 30 મિનિટ સુધી માતા હીરાબા સાથે રહ્યા હતા. જેમાં હીરાબાએ રામનાથ કોવિંદને માથે તિલક પણ કર્યું હતું. જ્યારે ચરખા સાથે યથાર્થ ગીતા નામનું પુસ્તક ભેટમાં આપ્યું હતું. જ્યારે રામનાથ કોવિંદે માતા હીરાબાના ચરણ સ્પર્શ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી જ્યારે માતાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે સોસાયટીના બાળકો સાથે પણ થોડીક ક્ષણો વિતાવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સોસાયટીના નાના બાળકો પાસે સમય વિતાવ્યો હતો. બાળકો દ્વારા તેમને ગુલાબનું ફુલ ભેટમાં આપવામાં આવ્યું હતું. જે રાષ્ટ્રપતિ દ્વારા બાળકોને પરત કરવામાં આવ્યું હતું.