ગાંધીનગર : ગુજરાતમાં આવતા ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે, રાજ્યસભામાં ગુજરાતની 3 બેઠકોની સમયમર્યાદા જુલાઈ ઓગસ્ટમાં પૂર્ણ થવા જઇ રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને રાજ્યસભા ચૂંટણીની તૈયારીઓ કરવા માટેના પત્રવ્યવહાર પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. આમ ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ત્રણ રાજ્યસભા બેઠકોની ચૂંટણી યોજાવાની સંભાવના છે.
કયા રાજ્યસભા સાંસદની ટર્મ પૂર્ણ : પૂર્ણ મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં યોજાનારી રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણીની વાત કરવામાં આવે તો આ ત્રણ બેઠક ઉપર કેન્દ્ર સરકારના વિદેશપ્રધાન એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટર્મ પૂરી થવા જઈ રહી છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં આ ફરીથી રાજ્યસભા ચૂંટણી યોજવામાં આવશે.
વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસનું બળાબળ : રાજ્યસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ધારાસભ્યો રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરતા હોય છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં આવનારી ત્રણ બેઠકો પરની ચૂંટણીમાં ભાજપ પક્ષને જ ફાયદો થશે. કારણકે ગુજરાત વિધાનસભામાં ભાજપ પક્ષના 156 ધારાસભ્યો છે અને કોંગ્રેસના ફક્ત 17 જેટલા જ ધારાસભ્યો છે. એમાં પણ પાંચ જેટલા ધારાસભ્યો આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષના છે તેમનું સમર્થન મળે તો પણ 25 જ ધારાસભ્ય કોંગ્રેસ તરફે જોવા મળે છે. આમ ફરીથી રાજ્યસભાની ત્રણેય બેઠકો ઉપર ભાજપનું જ પ્રતિનિધિત્વ જીતશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
એસ.જયશંકરને રીપીટ કરાશે ? : ગુજરાતની રાજ્યસભા બેઠકમાંથી વિદેશપ્રધાન એસ જયશંકરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા પણ ગુજરાતથી જ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય વિદેશપ્રધાન એસ જયશંકરને ફરીથી ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના સાંસદ બનવા માટે ફરી મોકો આપવામાં આવશે. જ્યારે જુગલ ઠાકોર અને દિનેશ અનાવડીયાના સ્થાને અન્ય કોઈ ચહેરો પણ જોવા મળી શકે છે.