ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગુરૂવારે અતિ ભારે વરસાદ પડ્યો હતો. વરસાદે તંત્રની પોલ છતી કરી નબળી કામગીરી લોકો સમક્ષ મુકી દીધી હતી. હાલ એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. તેવા સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સિવિલ હોસ્પિટલની 8 માળની બિલ્ડિંગમાં આવેલા સ્પેશિયલ રૂમમાં પાણી ભરાઈ ગયું હતું. વરસાદનું પાણી સ્પેશિયલ રૂમ અને ઓપીડી વિભાગમાં ફરી વળ્યું હતું. જે કારણે હોસ્પિટલ સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોરોનાન કહેર વચ્ચે સતત ફરજ બજાવતા તબીબ અને સ્ટાફ નર્સ સિવિલમાં જ રોકાતા હોય છે, પરંતુ ગુરૂવારે ફરજ બાદ તમામ લોકો સિવિલ હોસ્પિટલમાં રોકાતા હોય છે તેવી તમામ જગ્યાએ પાણી ફરી વળ્યા હતા. પરિણામે રાત્રી દરમિયાન આરામ ક્યાં કરવો એ સવાલ ઉભો થયો છે. એક તરફ કોરોનામાં સતત ફરજ બજાવવાની અને બીજી તરફ રોકાવા માટેની જગ્યામાં પાણી ફરી વળવાને કારણે હોસ્પિટલ સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્યની રૂપાણી સરકાર ગુજરાત રાજ્યને વિકાસ મોડેલ તરીકે દેશભરમાં દર્શાવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં વરસાદના પાણીની નદીઓ વહેતી જોવા મળી રહી છે. ત્યારે આ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસાનું પાણી ગટરમાં જવાની જગ્યાએ દર્દીઓને રાખવામાં આવતા વોર્ડમાં ઘુસી રહ્યું છે. બીજી તરફ સારવાર માટે રોકાયેલા દર્દીઓએ પણ સરકારને સવાલ કર્યો હતો કે શુ આ રૂપાણીનું ગુજરાત મોડલ છે? એક કલાક સાંબેલા ધારે પડેલા વરસાદના કારણે હોસ્પિટલમાં નદીઓ વહી રહી છે, તો આખી સિઝનમાં વરસાદ પડે તો સિવિલ હોસ્પિટલની કેવી હાલત થશે?
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરમાં સેક્ટર-21માં પેટ્રોલ પંપથી લઈને આર વર્લ્ડ સિનેમા અને તેની આજુબાજુના તમામ વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાઇ ગયા હતા. વરસાદ રોકાયા બાદ પણ અડધો કલાક સુધી આ પાણી ઓસર્યા ન હતા. જે કારણે લોકો તંત્ર અને સરકાર સામે સવાલો કરી રહ્યા છે કે, પ્રી-મોન્સુનની કામગીરી કરી છે કે, માત્ર ભ્રષ્ટાચાર?
ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર રાજનો ભોગ બની ઈકોકાર, જુઓ વીડિયો...
ગાંધીનગર શહેરનો જ્યારથી સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારથી પાણીની જેમ પૈસા વાપરવામાં આવી રહ્યા છે, પરંતુ તેનાથી શહેરના નાગરિકોને કોઈ ફાયદો થયો હોય તેવું જણાતું નથી. સ્માર્ટ સિટીની આંધળી દોડમાં સમગ્ર શહેરમાં ખાડા કરી દેવામાં આવ્યા છે. ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ સ્માર્ટ સિટીની પોલ ખુલી ગઈ છે. જ્યારે ખાડામાં પૂરાણ નહીં કરવાને કારણે આખી કાર જમીનમાં ધસી ગઈ હતી.