- કોરોનાથી અવસાન થયેલા કર્મીઓને વળતર ચૂકવવા રજૂઆત
- C.P.Fનો લાભ આપવા માટે કરવામાં આવી માંગણી
- કર્મચારીઓ માટે ઉચ્ચતર પગારધોરણ લાગુ કરવાની માગ
ગાંધીનગર: GMERS હોસ્પિટલના નર્સિંગ કર્મચારીઓએ તેમના પ્રશ્નોના નિરાકરણ કરવા અંગે સરકારને પોસ્ટર પ્રદર્શન કરી માહિતગાર કરી હતી. આ સાથે આગામી સમયમાં ધરણા કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. તમામ રાજ્ય સરકારની GMERS હોસ્પિટલના સ્ટાફની 10થી વધુ માંગણીઓ પૂરી કરવા તેમણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી GMERS કોલેજ બહાર પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પ્રકારની કેટલીક માંગણીઓ સરકાર સમક્ષ મૂકી
પ્રમોશનની પોલિસી નક્કી કરવી, કોરોનાથી અવસાન થયેલા કર્મચારીઓને વળતર ચૂકવવું, ઉચ્ચતર પગારધોરણ લાગુ કરવા GMERSના કર્મચારીઓએ સરકાર સમક્ષ માગણીઓ કરી છે. ભવિષ્ય માટેની મળવાપાત્ર ઉચ્ચતર પગારધોરણની પોલિસી બનાવીને તેનો લાભ કર્મચારીઓને આપવાનો અને નિવૃત્તિ બાદ સી.પી.એફની બચત ઉપર પોતાનો જીવન નિર્વાહ કરવાનો હોવાથી સી.પી.એફ નો લાભ આપવાનો અને હેડ નર્સ, ડીએનએસ અને એનએસ કક્ષાના કર્મચારીઓને પ્રમોશન આપવા જેવી માંગણીઓ રજૂ કરી હતી.
કર્મચારીઓને ટ્રાન્સપોર્ટનું ભથ્થુ આપવાની પણ કરાઈ માગ
નર્સિંગ સર્વિસ હોવાથી ઘણી વખત ઓવરટાઈમ તથા ઇમર્જન્સી ડ્યુટી કરવાની ફરજ પડતી હોય છે. કર્મચારીઓને વાહન વ્યવહાર ભથ્થુ ન મળવાથી મોટું આર્થિક નુક્સાન થાય છે. જેથી ટ્રાન્સપોર્ટ ભથ્થુ આપવામાં આવે. કોરોના જેવી મહામારીમાં દર્દીની સારવાર માટે આજ દિન સુધી સતત ફરજ બજાવી રહ્યા છે. સરકાર હસ્તકના કેટલાય મળવાપાત્ર લાભો માટે પણ માગ કરવામાં આવી છે.