ગાંધીનગર : રેડઝોન અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાંથી અન્ય વિસ્તારોમાં સંક્રમણને ફેલાતું અટકાવવા તથા લોકોને સંક્રમણમાંથી બચાવવા લોકડાઉનના ચુસ્ત અમલ માટે રાજ્યની પોલીસ શક્ય એટલી વધુ સઘન કામગીરી કરી રહી હોવાનું જણાવી રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ઉમેર્યું હતું કે, રેડઝોન અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાંથી સંક્રમણ બહાર ન જાય તે માટે પેરા મીલેટરી સહિત શક્ય અટલી વધુ પોલીસ ફોર્સ સાથે ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
મોટા શહેરોને ગામડાઓ સાથે જોડતા રસ્તાઓ ઉપર વિશેષ બંદોબસ્ત ગોઠવી પોલીસ દ્વારા લોકોની બિનજરૂરી અવર-જવર ઉપર સઘન વોચ રાખવામાં આવી રહી છે. સંક્રમણ અટકાવવા સરકાર અને વહીવટીતંત્ર તરફથી લેવાયેલા નિર્ણયોના અસરકારક અમલીકરણ માટે રાજ્યની પોલીસ પૂરતા પ્રયત્નો કરી રહી છે. ત્યારે સાંજે 7થી સવારે 7 કલાક સુધી લોકોની અવર-જવર ઉપર મૂકવામાં આવેલા સંપૂર્ણ પ્રતિબંધનો વધુ કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બસ સુવિધા શરૂ કરવામાં આવી છે. ત્યારે તેમાં પણ મુસાફરોની સંખ્યા નિયત કરવામાં આવી છે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન થઈ શકે. બસમાં 30થી ઓછા મુસાફરો સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા આવી રહ્યું છે કે કેમ, તે તપાસ કરવા માટે પોલીસ દ્વારા હવે બસમાં પણ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ડ્રોનના સર્વેલન્સથી 192 ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 12243 ગુના દાખલ કરીને 22559 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૭૯ ગુના નોંધીને 74 લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી 3032 ગુના નોંધીને 4156 લોકોની ધરપકડ કરવામાં આવી છે.