ગાંધીનગર: કોવિડ-19ની મહામારી અને લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે આ નુકસાનની ભરપાઈ તથા રાજ્ય સરકારની આવક વધારવા માટે સરકારના ખર્ચ પર કાપ મૂકવા અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવા પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હોવાની વાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવી હતી.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, 2 મહિનાના લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારની આવકમાં ઘણો ઘટાડો થયો છે. રાજ્યની આવક લગભગ બંધ થઈ ગઈ હતી. તેની સામે રાજ્ય સરકાર દ્વારા કોરોડોનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે રાજ્ય સરકારની આવકમાં વધારો કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા રચવામાં આવેલી કમિટી દ્વારા અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. જ્યારે ફાઇનાન્સ કમિટી જે હસમુખ હઢિયાની અધ્યક્ષતા હેઠળ રચવામાં આવી છેે, આ કમિટી દ્વારા સરકારી ખર્ચ પર કાપ મુકવાની ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત સરકારી ખર્ચમાં ક્યાં ? કેવી રીતે અને કઈ કઈ જગ્યાએ ઘટડાઓ કરવામાં આવશે તે અંગે હજૂ વિચારણા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે લોકડાઉન દરમિયાન આરોગ્ય પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. ત્યારે આવક વધારવા અને આવક ઉભી કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું પણ સરકાર વિચારી રહી છે. આ ઉપરાંત જીએસટીની આવક પણ સંપૂર્ણ બંધ હોવાથી સરકારને કરોડોનું નુકસાન થયું છે, જ્યારે આવક વધારવા માટે તમામ બોજો જાહેર જનતા પર નહીં પડે તેવી વાત પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે જણાવી હતી.