ગાંધીનગર : 23 ઓક્ટોબરના રોજ પાલનપુર RTO પાસે નવનિર્માણ થઈ રહેલા બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 2 યુવાનનું મોત નીપજ્યું હતું. હાલમાં GPC કંપની સહિત કુલ 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ આ બાબતે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, વર્ષ 2016-17 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. પરંતુ 2022 ની ચૂંટણીમાં 1 કરોડથી વધુનું ચૂંટણી ફંડ કમલમમાં પહોંચાડ્યું બાદમાં આ કંપનીને પાલનપુર બ્રિજનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાનની ટકોર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા મળેલ કેબિનેટ બેઠકમાં મળતી માહિતી મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક રિપોર્ટ મુદ્દે ચર્ચા કરીને તમામ પ્રધાનોને બ્રિજના નિર્માણ બાબતની સ્પષ્ટ સૂચના આપી હતી. તેઓએ કહ્યું કે, જેટલા રૂપિયા ખર્ચ થાય એટલા ખર્ચ કરો પણ કામગીરી ખરાબ ન હોવી જોઈએ. ઉપરાંત સચિવોને ગુણવત્તા બાબતની સૂચના આપવામાં આવી હતી.
વિપક્ષ દ્વારા આક્ષેપ : પાલનપુર બ્રિજ ધરાશાયી બાબતે ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતનો આ ખૂબ ચિંતાજનક વિષય છે અને ગુજરાતની અસ્મિતાને લાંછન લાગી રહ્યું છે. ગુજરાતની પ્રજા કરોડો રુપિયા ટેક્સ સુવિધા માટે આપી રહી છે, પરંતુ હાલમાં કોન્ટ્રાક્ટર કમિશન ટુ કમલમની પરિસ્થિતિ છે. ગુજરાતમાં પેપર પણ ફૂટે છે અને બ્રિજ પણ તૂટે છે, ત્યારે કમિશન અને કમલમ સિસ્ટમથી ગુજરાતની જનતાનો ભોગ લેવાઈ રહ્યો છે.
ગુજરાતમાં જેટલા પણ બ્રિજ છે તે તમામ બ્રિજના ઇન્સ્પેકશન સર્ટી અને ફિટનેસ સર્ટી રાજ્ય સરકાર પબ્લિક ડોમીનમાં જાહેર કરે, જેથી ગુજરાતના લોકોએ પરિવારજનો સાથે જવું હોય તો સર્ટિફિકેટ ચેક કરીને જઈ શકે. જેથી કોઈએ જીવ ન ગુમાવવો પડે. -- અમિત ચાવડા (વિપક્ષ નેતા, ગુજરાત વિધાનસભા)
સરકાર પર ચાબખા : પાલનપુર બ્રિજમાં GPC કંપનીને સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે ભૂતકાળની વાત કરતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, વર્ષ 2016-17 માં અમદાવાદમાં વરસાદ દરમિયાન આ કંપનીએ રોડ બનાવ્યા હતા, જે સંપૂર્ણ રીતે ધોવાઈ ગયા હતા. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા GPC કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. આ બ્લેકલિસ્ટ કંપનીને 2022 માં બ્રિજ માટેના કોન્ટ્રાક્ટર કઈ રીતે પ્રાપ્ત થયો ? જ્યારે બંગાળમાં એક બ્રિજ તૂટે તો વડાપ્રધાન મોદી ઇલેક્શન દરમિયાન એક્ટ ઓફ ગોડ નહીં પરંતુ એક્ટ ઓફ ફ્રોડ છે તેવું નિવેદન આપે છે. અત્યારે ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન 13 જેટલા બ્રિજ તૂટ્યા છે, ત્યારે ગુજરાતમાં જે બ્રિજ તૂટે છે એ એક્ટ ઓફ ગોડ છે કે એક્ટ ઓફ કમલમ ફ્રોડ છે ?
તપાસના આદેશ : 23 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગ્યા પછી આ ઘટના ઘટી હતી. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાલનપુર શહેરમાં નેશનલ હાઇવે 58 પર બનેલી આ દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી હતી. રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, સરકારના અધિક્ષક ઇજનેર, GERI ના ઇજનેર તાત્કાલિક પાલનપુર પહોંચવાના આદેશ કરવામાં આવ્યા હતા. જ્યારે આજની કેબિનેટ બેઠકમાં પાલનપુર બ્રિજ અકસ્માતના પ્રાથમિક રિપોર્ટ મુદ્દે ચર્ચા કરી હોવાની માહિતી સુત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે.