ગાંધીનગર: બુધવારની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાબતે રાજ્યના અને પુરવઠા વિભાગના પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, 10 જુલાઈથી રેગ્યુલર અનાજ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના માટે પાંચ માસ માટે જે વિતરણ શરૂ કરવાનું હતું તે 25 જૂલાઇથી શરૂ કરવામાં આવશે.
લોકડાઉનના કારણે રાજ્ય સરકારે ઓફલાઈન વિતરણ શરૂ કર્યું હતું. હાલ વર્તમાન સમયમાં અનલોક-2 અમલમાં છે. ત્યારે બુધવારની કેબિનેટ બેઠકમાં જુલાઈ અને ઓગસ્ટ માસમાં પણ ઓફલાઈન વિતરણ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે દેશમાં એક દેશ એક રાશનની યોજના છે તે પણ ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવી છે.
જયેશ રાદડિયાએ એક દેશ એક રાસન બાબતે જણાવ્યું કે, ગુજરાતમાં કેન્દ્ર સરકારની આ યોજના લાગુ કરવામાં આવી છે. જેમાં હવે કોઈ પણ રાજ્યનો રેશનકાર્ડ ધારક ગુજરાતની કોઈ પણ રાશનની દુકાન પરથી પોતાનો અનાજનો જથ્થો મેળવી શકશે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાના લોકો બીજા જિલ્લામાંથી પણ રાશનનો જથ્થો મેળવી શકશે.