ગાંધીનગર : ઓક્ટોબર માસના પ્રથમ દિવસે ગુજરાત સહિત અનેક રાજ્યના કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમની માંગને લઈને દિલ્હીમાં એકઠા થયા હતા. જેમાં 1 લાખથી વધુ કર્મચારીઓ અને સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા. જ્યારે ગુજરાતમાંથી 10,000 સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. ત્યારે ગુજરાત કર્મચારી સંગઠનના મહામંત્રી ભરત ચૌધરી સાથે ETV BHARAT દ્વારા ખાસ વાત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સરકારમાં ફાઈલ મૂકવામાં આવી છે ડિસેમ્બર 2023 સુધીમાં નિર્ણય આવી જશે.
કર્મચારી મંડળની માંગ : ઓલ ઇન્ડિયા કર્મચારી મહામંડળના પ્રમુખ વી.પી. સિંહે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂની પેન્શન સ્કીમ બાબતે કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. જે અંતર્ગત કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. ફરી જૂની પેન્શન સ્કીમ શરૂ કરવા માટે જૂન-જુલાઈ માસમાં ફાઈલ પણ રજૂ કરવામાં આવી છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારમાં હજુ જૂની પેન્શન સ્કીમ બાબતે મંત્રણા ચાલી રહી છે. કેન્દ્ર સરકારે અમને જૂની પેન્શન સ્કીમ ડિસેમ્બર 2023 સુધીમાં લાગુ કરવાની જાહેરાત કરવા બાબતે આશ્વાસન આપવામાં આવ્યું છે.
જૂની પેન્શન સ્કીમને લઈને કરોડો કર્મચારીઓ અને તેમના પરિવાર દુઃખી થયા અને ભારત સરકારે આ લોકોની પીડા સમજવાનો પ્રયાસ કર્યો નથી. સરકારમાં ફાઈલ મૂકવામાં આવી છે ડિસેમ્બર 2023 સુધીમાં નિર્ણય આવી જશે. -- વી.પી. મિશ્રા (પ્રમુખ, ઓલ ઇન્ડિયા કર્મચારી એસોસિએશન)
કેન્દ્ર સરકાર પર આક્ષેપ : વી.પી. સિંહે ETV સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વર્ષ 2005 પછી જૂની પેન્શન સ્કીમ રદ કરવામાં આવી. ત્યારબાદ જૂની પેન્શન સ્કીમ નવા કર્મચારીઓને લાગુ થઈ નથી. જ્યારે સમગ્ર દેશમાં આવા 1.50 કરોડથી વધુ કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમ લાગુ થઈ નથી. જૂની પેન્શન સ્કીમને લઈને કરોડો કર્મચારીઓ અને તેમના પરિવાર દુઃખી થયા અને ભારત સરકારે આ લોકોની પીડા સમજવાનો પ્રયાસ કર્યો નથી.
રક્ષાપ્રધાન સાથે બેઠક : જૂની પેન્શન સ્કીમ બાબતે કેન્દ્ર સરકારના રક્ષાપ્રધાન રાજનાથસિંહ સાથે 1 એપ્રિલના રોજ બેઠક કરવામાં આવી હતી. જ્યારે વી.પી. સિંહે જણાવ્યું હતું કે, જૂની પેન્શન યોજના કે નવી પેન્શન યોજના સારી છે આ બાબતનો પ્રશ્ન કર્યો હતો. રાજનાથસિંહના માધ્યમથી અમે સાબિત કર્યું હતું કે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં કોઈ વાંધો નથી. ભારત સરકાર નવી પેન્શન સ્કીમમાં 14% ગ્રાન્ટ આપે છે. જ્યારે જૂની પેન્શન સ્કીમમાં 10% ગ્રાન્ટ આપે છે. આમ જૂની પેન્શન સ્કીમમાં ગ્રાન્ટના 50% પેન્શન સ્કીમ શરૂ કરવામાં આવે તો સરકાર અને કચેરીઓને આર્થિક ફાયદો થઈ શકે.
આ સમગ્ર બાબત કેન્દ્ર સરકાર હસ્તકની છે, રાજ્ય સરકાર આમાં કંઈ ન કરી શકે. જેથી કેન્દ્ર સરકાર તરફથી જ નિર્ણય કરવામાં આવશે. -- ઋષિકેશ પટેલ (રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન)
રાજ્ય સરકારે હાથ ઉંચા કર્યા : આ બાબતનો ડ્રાફ્ટ નાણાં વિભાગમાં મોકલવામાં આવ્યો છે. ત્યારબાદ ભારત સરકારના નાણાં સચિવ એસ. રાધા ચૌહાણની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી હતી. હાલમાં આ કમિટી આ બાબતે વિચારણા કરી રહી છે. રાજ્યના સરકારી કર્મચારીઓના વિરોધ અને જૂની પેન્શન સ્કીમ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર બાબત કેન્દ્ર સરકાર હસ્તકની છે, રાજ્ય સરકાર આમાં કંઈ ન કરી શકે. જેથી કેન્દ્ર સરકાર તરફથી જ નિર્ણય કરવામાં આવશે.
કર્મચારી મંડળની ચીમકી : વી.પી. મિશ્રાએ વધુમાં ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જો ડિસેમ્બર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા જૂની પેન્શન સ્કીમ ફરી લાગુ કરવામાં નહીં આવે તો લોકસભા 2024 ની ચૂંટણી પહેલા વિરોધ કરવામાં આવશે. ઉપરાંત જ્યાં જ્યાં વિધાનસભાની ચૂંટણી થઈ છે ત્યાં સરકારે હારનો સામનો કર્યો છે. આમ લોકસભાની ચૂંટણીમાં તમામ રાજ્યમાં જઈને સરકારનો વિરોધ કરવામાં આવશે. જ્યારે નવી પેન્શન સ્કીમમાં કર્મચારીઓને કેટલું પેન્શન મળશે તે બાબતે કોઈ સ્પષ્ટતા ન હોવાનો આક્ષેપ વી.પી. મિશ્રાએ કર્યો હતો.