પ્રદેશ NSUI દ્વારા ચક્કાજામ પહેલા ગાંધીનગર સેક્ટર 17માં આવેલા પંચાયત પરિષદ માહોલમાં એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં NSUIના એજન્ડા નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસને ઊંઘતી રાખીને પાટનગરમાં આવેલા ઘ 5 સર્કલ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરો દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માગ કરી હતી. સર્કલ ખાતે એકઠા થઈને કાર્યકરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ તમામ કાર્યકરો રોડ ઉપર સૂઈ જતા થોડી મિનિટો માટે રોડ ચક્કાજામ થઈ ગયો હતો. આ સમય પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પોલીસ તમામ કાર્યકરોને ડીટેઈન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. NSUIના પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીએ કહ્યું કે, કોંગ્રેસ દ્વારા ગૌણ સેવા દ્વારા લેવાયેલી પરીક્ષામાં ચોરીના CCTV ફૂટેજ જાહેર કરાયા બાદ પણ પરીક્ષા રદ કરવામાં આવતી નથી.
પરિણામે NSUI પોતાના માટે નહીં પરંતુ લાખો ઉમેદવારોના ભાવિને લઈને રોડ ઉપર નીકળી છે. રાજ્યના મુખ્યપ્રધાન અને ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા પરીક્ષા રદ નહીં કરે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમો આપતા પણ પ્રદેશ NSUIની ટીમ ખચકાશે નહીં. પ્રદેશ NSUI દ્વારા આજે બે કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. જેમાં પહેલા તેમની બેઠક મળ્યા બાદ રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો.પરંતુ આ બંને કાર્યક્રમોમાં જિલ્લા NSUI પ્રમુખ અમિત પારેખ ગેરહાજર રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો.