આ અંગે ગાંધીનગરના મેયર રીટાબેન પટેલે કહ્યું કે, ગાંધીનગર શહેરમાં હાલમાં પીવાના પાણીની કોઇ સમસ્યા નથી. પરંતુ પાણીનો જે બગાડ થઇ રહ્યો છે, તેને અટકાવવા માટે 24 કલાક પાણી પૂરી પાડવાની મહાનગરપાલિકા દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. તેની સાથે મીટર લગાવવાનું પણ વિચાર કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે 24 કલાક પાણી મળશે તો નાગરિકો પાણીનો સંગ્રહ નહીં કરે. તેથી પાણી માટે મીટર લગાવવામાં આવશે તો પાણીનો બગાડ નહીં થાય. પરિણામે પાણીની બચત પણ થશે અને નાગરિકોને 24 કલાક પાણી પણ મળી રહેશે. પાણીની બચત થશે તો ગાંધીનગર શહેરમાં પાણીની અછત નહીં સર્જાય.
વધુમાં કહ્યું કે, સ્માર્ટ સીટી અંતર્ગત પાણીના મીટર લગાવવા બાબતે આગામી સમયમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ સાથે બેઠક કરવામાં આવશે. હાલમાં ગાંધીનગરમાં વ્યક્તિ દીઠ 275 લીટર પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે પ્રતિદિન 66 MLD પાણીનો પાટનગરમાં વપરાશ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર GIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓમાં હાલમાં મીટર પ્રમાણે જ પાણી આપવામાં આવે છે. પરિણામે કોઈપણ પ્રકારની સમસ્યા હાલમાં જોવા મળતી નથી. નગરજનોને પાણીના પૈસા જરૂર ચૂકવવા પડશે પરંતુ તેની સાથે 24 કલાક સુવિધા તેઓને મળી મળી રહેશે. ગાંધીનગરમાં પણ મીટરપ્રથા લાગુ થવાથી ચોક્કસપણે પાણીનો બગાડ થતો અટકશે.