ગાંધીનગર : દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામશે. ત્યારે તહેવારો બાદ તાત્કાલિક ધોરણે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો અંબાજી ખાતેથી વિધિવત પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યના ખૂણે ખૂણા સુધી આ યાત્રા પહોંચીને કેન્દ્ર સરકારની યોજનાનો પ્રચાર-પ્રસાર કરશે.
લોકસભા ચૂંટણી તૈયારી : લોકસભા ચૂંટણી તૈયારીની વાત કરવામાં આવે તો પહેલા ભાજપ સરકાર દ્વારા 23 જૂન 2023 ના રોજ કમલમ ખાતેથી કેન્દ્ર સરકારની કામગીરીના પ્રચાર માટે ગુજરાતની 26 બેઠકો પર 26 રથને લીલી ઝંડી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કરેલા 9 વર્ષના કાર્યો લોકો સુધી પહોંચે તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે પાંચ મહિનામાં બીજી વખત પહેલા સંગઠન અને હવે સરકાર દ્વારા યાત્રાની શરૂઆત કરવામાં આવશે. આમ 23 જૂનના રોજ નીકળેલી યાત્રા ફક્ત સાત દિવસ સુધી જ લોકસભા વિસ્તારમાં કાર્યરત હતી. ત્યારે હવે આ નવી યાત્રા 15 મી નવેમ્બરથી શરૂ થશે.
રાજ્યવ્યાપી સંકલ્પ યાત્રા : રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર યાત્રાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ ખાતેથી દેશવ્યાપી તેમજ ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. જેમાં રાજ્ય સરકારની યોજનાકીય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા આધુનિક રથ રાજ્યભરમાં ભ્રમણ કરશે. જેમાં 10,000 થી વધુ વસ્તી ધરાવતા 13,848 સ્થળને આવરી લેવાય તે રીતે આધુનિક રથ ભ્રમણ કરશે.
OBC વિસ્તાર મુખ્ય ટાર્ગેટ : સરકારની જાહેરાત મુજબ આ યાત્રાનો પ્રારંભ દેશના અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવતા 110 નોંધપાત્ર જિલ્લામાં 15 નવેમ્બરથી અને અન્ય જિલ્લાઓમાં નવેમ્બર-2023 ના ત્રીજા સપ્તાહથી કરવામાં આવશે. વિકસીત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાન મોદીનો વીડિયો સંદેશ, વિકસિત ભારતના સંકલ્પ લેવડાવવા સહિતના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે 10 હજારથી વધુ વસ્તી ધરાવતા 13,848 સ્થળો આવરી લેવાય તે રીતે આધુનિક રથ ભ્રમણ કરાવવાનું આયોજન છે.
સંકલ્પ યાત્રાનો ઉદેશ : વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે, પરંતુ લાભ મળ્યો નથી તેમના સુધી માહિતી પહોંચવાનો છે. ઉપરાંત યોજનાઓની માહિતીનો પ્રચાર-પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા, સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી 100 ટકા લક્ષ્ય હાંસલ કરવાના ઉદ્દેશ સાથે આ યાત્રા યોજાશે. 100 ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
સરકારી યોજનાનો પ્રચાર : જનસેવાના ઉદ્દેશ સાથે યોજનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ પાત્રતા ધરાવતા નાગરિકોને આપવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લેવાના આયોજન સાથે આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલ જીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની 17 યોજનાઓને આવરી લેવામાં આવી છે.
પોલિટિકલ એક્સપર્ટનો પ્રતિભાવ : રાજ્ય સરકારની સંકલ્પ યાત્રા બાબતે પોલિટિકલ એક્સપર્ટ જયવંત પંડ્યાએ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરતા નિવેદન આપ્યું હતું કે, ઓબીસી સમાજ એક મોટો સમાજ છે. રાજ્યની 27% આસપાસ બેઠક પર ઓબીસી સમાજ પ્રભુત્વ ધરાવે છે. આખા દેશમાં પણ ઓબીસી સમાજ ઘણો મોટી સંખ્યામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે કોંગ્રેસની થિયરી સામે ઓબીસી અને હિન્દુત્વ આ બે મુદ્દાનો સમન્વય કરીને ચૂંટણી જીતી હતી. તેમજ વર્ષ 2014 ની લોકસભાની ચૂંટણીમાં પણ પોતે ઓબીસી છે તેમ કહીને ઓબીસી કાર્ડ ખેલી હતું.
OBC કાર્ડનો ઉપયોગ : જયવંત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, ઓબીસી આરક્ષણની વાત હોય તો તેઓએ સરકાર તરીકે પણ નિર્ણયો લીધા છે અને હાલમાં બિહારમાં નીતિશકુમાર જાતિગત સર્વેક્ષણ કરાવ્યું છે અને તેના આધારે કુલ 75 % આરક્ષણ કરવાનો નિર્ણય લીધો છે, તેને પણ ભાજપે સમર્થન આપ્યું છે. આમ ચૂંટણી જીતવા માટે ભાજપ માટે ઓબીસી કાર્ડ ખૂબ જ મહત્વનું છે. એટલા માટે જ સરકાર આ યાત્રા કાઢીને ઓબીસી સમાજને આકર્ષાશે.